“પત્ની સાથે વાતો ન કરવી એ ક્રૂરતા નથી”; આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
દાંપત્ય જીવનમાં મતભેદ તો થાય, પતિ નિર્દોષ જાહેર
લગ્નજીવનમાં મતભેદો અને બોલચાલ બંધ થવી એ સામાન્ય બાબત છે અને માત્ર આટલા જ કારણસર પતિને ક્રૂરતા માટે દોષિત ઠેરવી શકાય નહીં, તેમ સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે. સર્વોચ્ચ અદાલતે પત્નીના આત્મહત્યાના કેસમાં પતિને નિર્દોષ જાહેર કરતા આ મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું.
આ કેસમાં પત્ની પિયર ગઈ હતી અને પતિએ તેની સાથે 13 દિવસ સુધી ફોન પર વાત કરી નહોતી. આ અબોલાથી વ્યથિત થઈને પત્નીએ પિયરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આક્ષેપ હતો કે પતિ પિયર જવાની ના પાડતો હતો અને ફોન પર વાત ન કરીને માનસિક ત્રાસ આપતો હતો. આ ઉપરાંત દહેજની માગણીના આક્ષેપો સાથે પતિ અને સાસરિયાં સામે IPCની કલમ 498A (ક્રૂરતા) અને 304B (દહેજ મૃત્યુ) હેઠળ ગુનો નોંધાયો હતો.
આ કેસનો ચુકાદો આપતા જસ્ટિસ જે. કે. મહેશ્વરી અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની બેન્ચે જણાવ્યું કે લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ અને અબોલા એ સામાન્ય બાબત છે. પૂરતા પુરાવા વિના માત્ર 13 દિવસ સુધી વાત ન કરવાને કોઈ પણ સંજોગોમાં ‘ક્રૂરતા’ના દાયરામાં લાવી શકાય નહીં.
આ પણ વાંચો: વર્ષા v/s ભદ્રેશ : લંડનમાં ગુજરાતી કપલના 23 વર્ષે છૂટાછેડા, પત્નીને મળશે ૮૫ કરોડ
અદાલતે કહ્યું કે કેસમાં એવા કોઈ પુરાવા નથી કે બંને વચ્ચે કોઈ મોટો ઝઘડો થયો હોય. ક્રૂરતા સાબિત કરવા માટે એવા ગંભીર કૃત્યો હોવા જરૂરી છે જે સ્ત્રીને આપઘાત કરવા માટે મજબૂર કરી દે.અદાલતે વધુમાં ઉમેર્યું કે કલમ 498A હેઠળના કેસોમાં પ્રોસિક્યુશને (ફરિયાદી પક્ષે) આક્ષેપોને શંકાથી પર રહીને સાબિત કરવા પડે છે, પોતાની નિર્દોષતા સાબિત કરવાનો બોજ પતિ પર નાખી શકાય નહીં.
ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટે પતિને ત્રણ વર્ષની સજા ફટકારી હતી!
આ કેસમાં અગાઉ નીચલી અદાલત અને મદ્રાસ હાઈકોર્ટે પતિને દોષિત ઠેરવીને કલમ 498A હેઠળ ૩ વર્ષની જેલની સજા સંભળાવી હતી. હાઈકોર્ટે પતિની પુનઃવિચારણા અરજી પણ ફગાવી દીધી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે હાઈકોર્ટે પુરાવાઓની યોગ્ય ચકાસણી કરી નહોતી. પત્નીના પાસપોર્ટ-વીઝાની પ્રક્રિયા બાકી હોવાથી તે પતિ સાથે મસ્કત જઈ શકી નહોતી અને આ દરમિયાન અબોલા સર્જાયા હતા, જેમાં કોઈ ગુનાહિત હેતુ જણાતો નથી. આ ટિપ્પણી સાથે સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોના ચુકાદાને રદ કરીને પતિને સજામાંથી મુક્ત કર્યો હતો .
