સંસદમાં શું થયું ? કેવી થઈ બબાલ ?
સંસદના સત્રમાં શાસક અને વિરોધ પક્ષ વચ્ચે જોરદાર ટકરાવ ગુરુવારે પણ જોવા મળ્યો હતો. બંને ગૃહોમાં કેન્દ્રિય બજેટ પર ચર્ચા ચાલી રહી છે અને તે દરમિયાન જ કેટલાક વિપક્ષી સભ્યોના વધુ પડતાં આક્રમક નિવેદનો અને વડાપ્રધાન તેમજ નાણામંત્રી પર આરોપોને પગલે વાત વણસી ગઈ હતી. બંને ગૃહોમાં ભારે શોરબકોર અને દેકારા થયા હતા. સ્પીકર ઓમ બિરલાએ સભ્યોને જબાન સંભાલ કે બોલો કહીને ચેતવ્યા હતા.
એક તબક્કે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ એમ કહેવું પડ્યું હતું કે સંસદનું સત્ર ગાળાગાળી કરવા માટે નથી. સભ્યો મર્યાદા જાળવે તે જરૂરી છે. ખાસ કરીને અભિષેક બેનરજી, અભિજીત ગંગોપાધ્યાય અને ધર્મેન્દ્ર યાદવના વધુ પડતાં આક્રમક નિવેદન અંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે કોઈ પણ જાતના વિવાદિત શબ્દોનો ઉપયોગ કરવામાં આવે નહીં.
રિજીજુએ કહ્યું હતું કે વિપક્ષના કેટલાક સભ્યો વડાપ્રધાનને ગાળ દઈ રહ્યા છે અને તેના વિષે વિપક્ષી સભ્યોએ એમ કહ્યું હતું કે સરકારની આલોચના કરવી તે ગાળ બની શકે નહીં. સરકાર ચર્ચાના મુદ્દાઓથી ભાગી રહી છે.
બજેટ અંગે બંને ગૃહોમાં નીટ અંગે પણ ચર્ચા કરવાનો પ્રયાસ થયો હતો અને સ્પીકરે માત્ર બજેટ પરની જ ચર્ચા થઈ શકશે તેમ કહ્યું હતું. અભિષેક અને ઓમ બિરલા વચ્ચે અનેક વાર તીખી દલીલો થઈ હતી. બેનરજીએ શાસકં પક્ષના સભ્યોને કહ્યું હતું કે ખુરશી બાંધીને રાખો, મૌસમનો મિજાજ બગડવાનો છે.