આગામી ચોમાસાની ઋતુને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જળબંબાકારની સ્થિતિ ન સર્જાય તે માટે પ્રિ-મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય અને તેનો સરળતાથી નિકાલ થઈ શકે તે હેતુથી મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની ટીમો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે. આ કામગીરીની વાસ્તવિક સ્થિતિ જાણવા અને ગુણવત્તા ચકાસવા માટે આજે તા. ૦૪-૦૬-૨૦૨૬ના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યાથી જ શહેરના વિવિધ વોર્ડના કોર્પોરેટરઓ પોતપોતાના વિસ્તારમાં દોડી ગયા હતા અને વોંકળા સફાઈ તેમજ અન્ય કામગીરીનું સ્થળ પર (લાઈવ) નિરીક્ષણ કર્યું હતું.
યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ: પાણીના કુદરતી વહાવને નડતા અવરોધો કરાયા દૂર
મહાનગરપાલિકા દ્વારા શહેરના સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ એમ ત્રણેય ઝોનના તમામ વોર્ડમાં આવેલા મુખ્ય તેમજ આંતરિક વોંકળાઓને સાફ કરવાની સઘન ઝુંબેશ ઉપાડવામાં આવી છે.
આ પણ વાંચો: વિશ્વનું પ્રથમ ‘ન્યૂક્લિયર ડસ્ટબિન’ તૈયાર જે ૧ લાખ વર્ષ સુધી પરમાણુ કચરો નહીં થાય લીક
મુખ્ય કામગીરીઓ પર એક નજર:
વોંકળા અને કેનલ સફાઈ: વર્ષોથી જમા થયેલો કચરો, પ્લાસ્ટિક અને માટીના ઢગલા જેસીબી (JCB) અને અન્ય મશીનરીની મદદથી દૂર કરવામાં આવી રહ્યા છે.
ડ્રેનેજ અને રોડ સાઈડ ગટર: ભારે વરસાદમાં લાઈનો ચોક-અપ ન થાય તે માટે ડ્રેનેજ નેટવર્ક અને રોડ સાઈડની ગટરોનું ફ્લશિંગ અને સફાઈ કરવામાં આવી રહી છે.
વરસાદી લાઈનોની ચકાસણી: ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સંભાવના વાળા વિસ્તારો (Water-logging points) પર ખાસ નજર રાખીને વરસાદી પાણીના નિકાલની લાઈનોની ક્ષમતા ચકાસવામાં આવી રહી છે.
નાગરિકોની સુવિધા માટે કોર્પોરેટરોનું સ્થળ પર મોનિટરિંગ
આજે સવારે વિવિધ વોર્ડના કોર્પોરેટરઓએ સફાઈ સ્થળોની મુલાકાત લઈ મહાનગરપાલિકાના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ દરમિયાન પાણીના પ્રવાહને અવરોધરૂપ બનતા કચરા અને ઝાડી-ઝાંખરાને વહેલી તકે દૂર કરવા અતિ આવશ્યક છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોના ઘરોમાં પાણી ઘૂસવાની સમસ્યા નિવારી શકાય.
મહાનગરપાલિકાના તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વરસાદ આવે તે પૂર્વે જ તમામ મુખ્ય લાઈનો અને વોંકળાઓ પ્રવાહમુક્ત (Choke-free) કરી દેવામાં આવશે, જેથી રાજકોટવાસીઓને ચોમાસા દરમિયાન કોઈ મોટી અગવડતાનો સામનો કરવો ન પડે.
