વિશ્વનું પ્રથમ ‘ન્યૂક્લિયર ડસ્ટબિન’ તૈયાર જે ૧ લાખ વર્ષ સુધી પરમાણુ કચરો નહીં થાય લીક
માનવજાત અને પર્યાવરણ માટે સદીઓથી સૌથી મોટો માથાનો દુખાવો બનેલા પરમાણુ કચરા (Nuclear Waste) ના કાયમી નિકાલ માટે વૈજ્ઞાનિકોએ એક ઐતિહાસિક સફળતા મેળવી છે. વિશ્વનું સૌપ્રથમ એવું અત્યાધુનિક અને અભેદ્ય ભૂગર્ભ ડસ્ટબિન તૈયાર થઈ ગયું છે, જ્યાં અત્યંત ઘાતક રેડિયોએક્ટિવ કચરાને આગામી ૧ લાખ વર્ષ માટે સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવશે. આ લાંબા સમયગાળા દરમિયાન કચરાનું કુદરતી રીતે ક્ષરણ થશે અને તે જમીનની અંદર રહેલા સામાન્ય યુરેનિયમ જેવી સુરક્ષિત સ્થિતિમાં આવી જશે.
અબજો વર્ષ જૂના ખડકોની વચ્ચે, જમીનથી ૪૩૩ મીટર ઊંડે આઇસોલેશન
આ અનોખો પ્રોજેક્ટ દક્ષિણ-પશ્ચિમ ફિનલેન્ડના યુરાજૌકી વિસ્તારના ગીચ જંગલોમાં સાકાર થયો છે. અહીં પૃથ્વીના પેટાળમાં અંદાજે ૧.૯ અબજ વર્ષ જૂના અને અત્યંત મજબૂત ખડકોને કોતરીને, જમીનથી ૪૩૩ મીટર (આશરે ૧૪૦૦ ફૂટ)ની ઊંડાઈએ વિશાળ સુરંગોનું નેટવર્ક તૈયાર કરાયું છે. આ કાયમી ન્યુક્લિયર વેસ્ટ સાઇટને ‘ઓનકોલો’ નામ આપવામાં આવ્યું છે. ફિનલેન્ડની પરમાણુ સુરક્ષા એજન્સી ચાલુ મહિને જ આ પ્રોજેક્ટને આખરી મંજૂરી આપી ઓપરેટિંગ લાયસન્સ જારી કરે તેવી સંભાવના છે.
૭ દાયકા જૂની વૈશ્વિક સમસ્યાનો અંત
વર્ષ ૧૯૫૦-૬૦ના દાયકાથી જ્યારે વિશ્વમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ શરૂ થયા, ત્યારથી રેડિયોએક્ટિવ કચરાનો સુરક્ષિત નિકાલ એક મોટી ચિંતાનો વિષય હતો. અત્યાર સુધી દુનિયાભરમાં આ ઘાતક કચરાને ઠંડો રાખવા માટે કામચલાઉ ધોરણે પાણીના વિશાળ પૂલમાં રાખવામાં આવતો હતો, જે લાંબા ગાળે સુરક્ષિત નહોતો. પરંતુ ફિનલેન્ડે હવે વિશ્વને આનો કાયમી અને નક્કર ઉકેલ આપ્યો છે.
લીકેજ પ્રૂફ ‘થ્રી-લેયર’ અદભુત ટેકનિક
પરમાણુ કચરો ક્યારેય લીક ન થાય તે માટે વૈજ્ઞાનિકોએ અત્યંત જટિલ અને સુરક્ષિત ૩-તબક્કાની પદ્ધતિ વિકસાવી છે:
૧. શુદ્ધ તાંબાના કન્ટેનર: સૌથી પહેલા જમીનની ઉપર ન્યુક્લિયર વેસ્ટના સળિયાને શુદ્ધ તાંબામાંથી બનેલા જાડા, મજબૂત અને ક્યારેય કાટ ન લાગે તેવા ખાસ એરટાઇટ બોક્સમાં પેક કરાશે.
૨. ભૂગર્ભ સંગ્રહ: આ ભારેખમ કન્ટેનર્સને ખાસ લિફ્ટ દ્વારા ૪૩૩ મીટર ઊંડી સુરંગોના તળિયે બનાવેલા ઊંડા ખાડાઓમાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવશે.
૩. બેન્ટોનાઇટ ક્લેનું કવચ: કન્ટેનર મૂક્યા બાદ ખાડાને ‘બેન્ટોનાઇટ’ નામની ખાસ ચીકણી માટીથી ભરી દેવાશે. આ માટીની ખાસિયત એ છે કે તે ભેજ કે પાણીના સંપર્કમાં આવતા જ ફૂલી જાય છે અને પથ્થર જેવી અભેદ્ય સીલ બનાવી દે છે, જેથી ભવિષ્યમાં પણ લીકેજની કોઈ શક્યતા રહેતી નથી.
૬,૫૦૦ ટન કચરો સમાવવાની ક્ષમતા
આ મેગા પ્રોજેક્ટમાં અંદાજે ૬,૫૦૦ ટન યુરેનિયમ કચરો સમાવવાની અદભુત ક્ષમતા છે, જે ફિનલેન્ડના તમામ પાંચ પરમાણુ રિએક્ટરોમાંથી નીકળતા કચરા માટે પૂરતી છે. વૈજ્ઞાનિકોના પ્લાન મુજબ, આ ડસ્ટબિનમાં આગામી ૧૦૦ વર્ષ સુધી કચરો જમા કરવામાં આવશે અને ત્યારપછી તેને હંમેશ માટે કાયમી ધોરણે ‘લોક’ કરી દેવામાં આવશે. વિજ્ઞાન જગત આ પ્રોજેક્ટને પૃથ્વીના સંરક્ષણ માટે એક મોટું ક્રાંતિકારી કદમ માની રહ્યું છે.
