‘કાળા હરણ’ ફિલ્મને લઈ વિવાદ ગરમાયો, સલમાન ખાનની ટીમે મોકલી કાનૂની નોટિસ
૧૯૯૮ના બ્લેકબક કેસથી પ્રેરિત હોવાનો દાવો; ફિલ્મની રિલીઝ અને પ્રમોશનલ સામગ્રી પર રોકની માંગ
સલમાન ખાનના ૧૯૯૮ના કાળા હરણ કેસ પરથી પ્રેરિત હોવાનું કહેવાતી ફિલ્મ ‘કાળા હરણ: ધ બેટલ ફોર લેગસી’ રિલીઝ પહેલાં જ વિવાદમાં ફસાઈ ગઈ છે. સલમાન ખાનની લીગલ ટીમે ફિલ્મના નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલી છે, જ્યારે પ્રોડ્યૂસર અમિત જાનીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ કોઈપણ દબાણથી ડરવાના નથી.
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન સાથે જોડાયેલા ૧૯૯૮ના બ્લેકબક (કાળા હરણ) કેસ પર આધારિત હોવાનું કહેવાતી ફિલ્મ ‘કાળા હરણ: ધ બેટલ ફોર લેગસી’ ફરી એકવાર વિવાદમાં આવી છે. ફિલ્મની જાહેરાત બાદથી જ ચર્ચાઓ શરૂ થઈ હતી, અને હવે સલમાન ખાનની લીગલ ટીમે ફિલ્મના નિર્માતા અને નિર્દેશકને કાનૂની નોટિસ મોકલી છે.
સલમાન ખાનની ટીમ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની તેમજ ફિલ્મના પોસ્ટર અને અન્ય પ્રમોશનલ સામગ્રી હટાવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
ફિલ્મના પ્રોડ્યૂસર અમિત જાનીએ નોટિસનો જવાબ આપતા કહ્યું કે તેઓ ડરવાના નથી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નોટિસ શેર કરીને લખ્યું કે, “સલમાન ખાન કાળા હરણ ફિલ્મ સાથે જોડાયેલા લોકોને નોટિસ મોકલીને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.” તેમણે વધુમાં કહ્યું કે, “નોટિસનો હેતુ માત્ર લોકોને ડરાવવાનો છે જેથી લોકો ગ્લેમરના દબાણ સામે ઝૂકી જાય. પરંતુ ડરવું મારી ફિતરત નથી.”
અમિત જાની અગાઉ પણ અનેક વિવાદાસ્પદ વિષયો પર ફિલ્મો બનાવી ચૂક્યા છે. તેઓ ક્નહૈયાલાલ હત્યા કેસ પર આધારિત ફિલ્મના નિર્માણને લઈને પણ ચર્ચામાં રહ્યા હતા. ‘કાળા હરણ: ધ બેટલ ફોર લેગસી’નું પ્રથમ પોસ્ટર ૩૦ મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું નિર્દેશન ભરત એસ. શ્રીનેત દ્વારા કરવામાં આવ્યું છે. નિર્માતાઓના જણાવ્યા અનુસાર ફિલ્મ વાસ્તવિક કાનૂની સંઘર્ષો અને એક્શન ઘટનાઓથી પ્રેરિત છે.
