પુત્ર વિયોગમાં, બીમારીથી કંટાળીને અંતીમ પગલું ભર્યું: પરિવારમાં ઘેરો શોક
શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં આપઘાતના ચાર અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. જેમાં બીમારીથી કંટાળીને, પુત્રના વિયોગમાં ચાર લોકોએ મોતને વ્હાલું કર્યું છે. આ બનાવોને પગલે ચારેય પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મોરબી રોડ પર જુના જકાત નાકા પાસે રહેતા સુધાબેન પંકજભાઇ મોરાણીયા (ઉ.વ. ૬૩) નામના પ્રૌઢાએ ગત તા. ૧૩ના રોજ પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું. ડાયાબિટીસ, બીપી અને કિડનીની ગંભીર બીમારીઓથી પીડાતા સુધાબેને બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બે દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. મૃતકને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. બી-ડિવિઝન પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં મવડી પ્લોટ વિસ્તારના ઓમનગરમાં રહેતા નયનાબેન કિશોરભાઈ હરણેસા (ઉ.વ. ૫૮)એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પરિવારના જણાવ્યા મુજબ, ૧૦ મહિના પહેલા તેમના ૩૫ વર્ષીય પુત્રનું બીમારીથી અવસાન થયું હતું,ત્યારથી તેઓ સતત ગુમસુમ રહેતા હતા. પુત્રના વિયોગમાં જ તેમણે આ અંતિમ પગલું ભર્યાનું મનાય છે. તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ શરૂ કરી છે. ઠક્કરબાપાનગરમાં રહેતા અને છખઈ માં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા અનિલભાઈ બાલાભાઈ વાઘેલા (ઉ.વ. ૫૨) એ તા. ૮-૪ ના રોજ રૈયા ચોકડી પાસે ઝેરી દવા પી લીધી હતી. ૧૦ દિવસની સારવાર બાદ આજે તેમણે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. અનિલભાઈ કોઈ મહિલા સાથેના સંબંધને કારણે ૧૫ દિવસથી ઘર છોડીને નીકળી ગયા હતા. તેમણે આપઘાત પહેલા પુત્રને વીડિયો મોકલી જણાવ્યું હતું કે, `મારી ઉપર કોઈ કરજ નથી, હું મારી મરજીથી આ પગલું ભરું છું.” યુનિવર્સિટી પોલીસે આ મામલે તપાસ ચાલુ રાખી છે.અન્ય એક બનાવમાં કોઠારીયા રોડ પર આનંદનગર ક્વાર્ટરમાં રહેતા ધાર્મિક મહેશભાઈ મકવાણા (ઉ.વ. ૨૬) નામના યુવાને નેહરુનગરમાં આવેલા એક ફેબ્રિકેશનના કારખાનામાં ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું. ધાર્મિક બે ભાઈઓમાં મોટો અને અપરિણિત હતો. પરિવારના જણાવ્યા અનુસાર, તેને કોઈ આર્થિક કે અન્ય ચિતા નહોતી, છતાં કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
