વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત: રૂ.300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાં રાહત આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અથવા માફ કરવા મળેલી સત્તા અનુસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીન અંગેના કેટલાક કિસ્સાઓમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાંથી રાહત આપીને રૂપિયા 300 ટોકન સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર વારસાઈની નોંધ/નોંધો હેઠળના સંયુક્ત કબજેદારો પૈકીના કોઈ એક અથવા વધુ વારસો (મરણજનાર મુળ ખાતેદારના સીધી લીટીના કેસમાં એક પણ વારસ હયાત ન હોય તો આડી લીટીના વારસો) દ્વારા અન્ય એક કે વધુ વારસદારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હક ઉઠાવવાના કિસ્સામાં પ્રત્યેક હક ઉઠાવવા/કમીના લેખ પર રૂ. 300 સ્ટેમ્પ ડ્યુટી લેવાશે.
જો સીધી લીટીના વારસો હયાત હોય તો તે પૈકીના એક અથવા વધુના નામ એક અથવા વધુ તબક્કાઓમાં દાખલ કરવાના કિસ્સામાં, સીધી લીટીના એક પણ વારસ હયાત ન હોય તો આડી લીટીના હયાત પૈકીના એક અથવા વધુ વારસોના નામ દાખલ કરવાના કિસ્સામાં પ્રત્યેક હયાતી પર હક દાખલના લેખ પર રૂ. 300 સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવામાં આવશે.
સમયના ક્રમાનુસાર એક અથવા વધુ તબક્કે વારસાઈ નોંધ/નોંધો અનુસાર દાખલ થયેલ સંયુક્ત ખાતેદારો દ્વારા એક અથવા વધુ તબક્કે વહેંચણી કરવામાં આવે (આવી વારસાઈથી સીધી લીટી અથવા તેની હયાતી ન હોય ત્યારે આડી લીટીના વારસો દાખલ થયેલ હોઈ શકે) તો પ્રત્યેક વહેંચણીના લેખ પર રૂ. 300 સ્ટેમ્પ ડ્યુટી લેવાશે.
આ ઉપરાંત, ખેતીની જમીનો માટે જે જોગવાઈ કરવામાં આવી છે તેમાં જે કિસ્સામાં સીધી લીટીના એક પણ વારસ હયાત ન હોય તો આડી લીટીના પ્રકારના એક કે વધુ વારસદારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હક ઉઠાવવો, હયાતીમાં નામ/હક દાખલ કરવા તથા વહેંચણી અંગે, ઉક્ત દર્શાવેલ પ્રત્યેક તબદીલી લેખ પર રૂ. 300 સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવાની રહેશે.
