TP શાખાની બેદરકારીને કારણે જ ગેરકાયદે ‘જંગલ’ ઉભું થયું? ‘વોઈસ ઓફ ડે’એ પૂછેલા સવાલનો RMC કમિશનરે આપ્યો ‘ગોળગોળ’ જવાબ
જંગલેશ્વરમાં કરવામાં આવેલા ડિમોલિશનના ગુણગાન ગાવામાં તંત્રએ કશું જ બાકી રાખ્યું નથી, ત્યારે વાસ્તવિકતા એ છે કે આ દબાણો પાછલા એક-બે-ત્રણ કે ચાર વર્ષ નહીં પરંતુ અડધી સદી એટલે કે 45થી 50 વર્ષથી એક પછી એક થઈ રહ્યા હતા. આમ છતાં રાજકોટના દરેક નાના-મોટા બાંધકામોની જાણકારી રાખી ટાઉન પ્લાનિંગ શાખા ‘ઉંઘતી’ હોય તે પ્રમાણે કાર્યવાહી ન કરતા, આખરે ગેરકાયદે ‘જંગલ’ ઉભું થયું હતું, જેને નષ્ટ કરવા તંત્રએ કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો. ત્યારે આ પાછળ ટાઉન પ્લાનિંગ શાખાની બેદરકારી ગણાય કે કેમ? તે પ્રશ્ન ‘વોઈસ ઓફ ડે’ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે સરળ અને સ્પષ્ટની જગ્યાએ ‘ગોળગોળ’ જવાબ આપ્યો.

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે ક્લસ્ટર એટલે કે એક સાથે આટલા મોટા દબાણ થઈ ગયા હતા, જેથી ખુદ પોલીસને પણ સમન્સ બજાવવા જેવી કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડી રહી હતી. જો કે હવે રાજકોટમાં આ પ્રકારે એક પણ દબાણ ઉભું થવા નહીં દેવામાં આવશે. સાથે સાથે તેમણે કહ્યું કે ડિમોલિશન માટે આખરી નોટિસ અપાયા બાદ તુરંત જ ગેરકાયદે દબાણ તોડવામાં આવશે.
અત્રે યક્ષપ્રશ્ન એ છે કે જંગલેશ્વરમાં જ્યાં મહાપાલિકાએ ડિમોલિશન કર્યું, ત્યાં સ્લેબ વગરના 500, 50થી 100 વાર જગ્યામાં બનેલા 800, 100 વારથી વધુના 150, એ.સી. સહિતની સુવિધા ધરાવતા 200, પાંચ લાખના ખર્ચે બનેલા 750 મકાન બની ગયા. આ સ્થિતિ ઉભી થવા સુધી તંત્ર શું કરી રહ્યું હતું? આ દબાણ પાછલા 45થી 50 વર્ષથી ચાલી રહ્યા હતા, છતાં ટાઉન પ્લાનિંગ શાખાનું ધ્યાન કેમ ન ગયું? હવે જ્યારે એક સાથે ‘રેલો’ આવ્યો, ત્યારે ડિમોલિશન કરવામાં આવ્યું, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થવાનો છે, જે પ્રજાના ટેક્સના પૈસાથી ઉઠાવવો પડશે.
