“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
અમેરિકામાં યોન શોષણના આરોપોમાં દોષિત ઠરેલા ફાઇનાન્સિયર જેફરી એપ્સટિન સાથે પોતાને કોઈ વ્યક્તિ સંબંધ ન હોવાનો ખુલાસો કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીએ કર્યો હતો. એપ્સટિન દસ્તાવેજો અંગે રાહુલ ગાંધીએ સંસદમાં મુદ્દો ઉઠાવ્યા બાદ તેમણે આ ખુલાસો આપ્યો હતો.
સંસદમાં ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ આ દસ્તાવેજોનો ઉલ્લેખ કરી જણાવ્યું કે તેમાં ભારતના એક કેન્દ્રીય મંત્રીનું નામ જોવા મળ્યું છે અને સરકારએ આ મુદ્દે સ્પષ્ટતા કરવી જોઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આવા ગંભીર કેસમાં ભારતીય જાહેરજીવન સાથે જોડાયેલા વ્યક્તિનું નામ આવવું ચિંતાજનક બાબત છે અને સરકારએ સંસદને સાચી માહિતી આપવી જોઈએ. કોંગ્રેસે આ મુદ્દે પારદર્શિતાની માંગ કરી હતી.
આ પણ વાંચો:અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
આ નિવેદન બાદ થોડા જ કલાકોમાં હરદીપ પુરીએ પત્રકારો સાથે વાત કરતાં સ્પષ્ટ કર્યું કે તેમની એપસ્ટીન સાથે કોઈ વ્યક્તિગત કે ગેરકાયદેસર સંબંધ નહોતો. તેમણે જણાવ્યું કે તેઓ એપસ્ટીનને માત્ર થોડા પ્રસંગે ડેલિગેશનના ભાગરૂપે મળ્યા હતા અને માત્ર એક જ ઇમેઇલની આપલે થઈ હતી.
પુરીએ કહ્યું કે તે સમયગાળા દરમિયાન તેમની મુખ્ય ચર્ચાઓ આંતરરાષ્ટ્રીય રોકાણ અને “મેક ઇન ઇન્ડિયા” વિષયક હતી. તેમના કહેવા મુજબ આ મુલાકાતોનો એપસ્ટીન સામે લાગેલા ગુનાઓ સાથે કોઈ સંબંધ નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓએ એપસ્ટીનની કોઈ પ્રવૃત્તિમાં રસ રાખ્યો નહોતો અને આ મામલે રાજકીય અર્થઘટન ન કરવું જોઈએ. મંત્રીએ એવો પણ દાવો કર્યો કે જાહેર થયેલા લાખો ઇમેઇલમાં તેમનો ઉલ્લેખ માત્ર ત્રણ-ચાર જગ્યાએ જ જોવા મળે છે અને તે પણ ઔપચારિક સંપર્ક સુધી મર્યાદિત છે.
એપ્સટિન સાથે મુલાકાત અંગે સ્પષ્ટતા
મંત્રી પુરીએ સ્પષ્ટતા કરી કે તેઓ જેફરી એપ્સટિનને મળ્યા હતા, પરંતુ આ મુલાકાત ત્યારે થઈ હતી જ્યારે તેઓ ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટ (IPI) ના પ્રતિનિધિમંડળનો ભાગ હતા. આ ઘટના 2009 માં બની હતી, જ્યારે તેઓ ન્યૂયોર્કમાં ભારતના રાજદૂત હતા. તેમણે કહ્યું, “આ બધી હકીકતો જાહેર છે. લગભગ ત્રીસ લાખ ઇમેઇલ્સ જાહેર છે. આઠ વર્ષ પછી, હું મંત્રી બન્યો. તે આઠ વર્ષ દરમિયાન ત્રણ કે ચાર બેઠકોના સંદર્ભો છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીને મોકલેલી નોંધોમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત તરીકે નિવૃત્ત થયા, ત્યારે તેમને ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. હું સ્વતંત્ર કમિશનનો જનરલ સેક્રેટરી હતો. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયાઈ વડા પ્રધાન તે સમયે સંસ્થાના વડા હતા અને એપ્સટિનને જાણતા હતા. તેથી, મારી મુલાકાતો ફક્ત એક પ્રતિનિધિમંડળના ભાગ રૂપે હતી અને તેનો કોઈ આરોપો કે વિવાદ સાથે કોઈ સંબંધ નથી.
