સુરત : ડ્રાઇવરને ઝોંકુ આવી જતાં લકઝરી બસ ખાડીમાં ખાબકી, 40 મુસાફરો હતા સવાર, બસના પતરાં કાપીને કરાયું રેસ્ક્યૂ
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દરરોજ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ સુરતમાં સામે આવ્યો છે જેમાં સુરતના કોસંબા નજીક નેશનલ હાઇ-વે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. બસ એકાએક રોડથી નીચે ઘસી જતાં તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા. લોકોની બુમાબુમ સાંભણીને રસ્તે જતાં અન્ય વાહનચાલકોએ પોતાનું વાહન રોકીને લોકોની મદદે આવ્યા હતા. બસના પતરા કાપીને મુસાફરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે લોકો ઉમટ્યા હતા અને આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આજે બુધવારે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ વિભાગે કોલ મળ્યો હતો કે મુસાફરો ભરેલી એક ખાનગી લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકી ગઇ છે. જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મુસાફરોનું રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. જેમાં કેટલાક લોકો બસની કેબિનમાં ફસાય ગયા હતા જ્યારે કેટલાક લોકો બસના સોફામાં ફસાય ગયા હતા. જેના લીધે તમામ 40 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
અકસ્માતનો ભોગ બનેલી બસ રાજસ્થાનથી મુંબઇ જઇ રહી હતી. ત્યારે સુરતના કોસંબા નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બાદ બસ ડ્રાઇવર ભાગી ગયો હોવાની સંભાવના છે. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, અમને ૫ વાગ્યાની આસપાસ કોલ મળતા જ ઘટના સ્થળે આવ્યા હતા અને ઘટના સ્થળે આવીને જોયું તો બે માણસો ક્લીનર સાઈડના ભાગે દબાયેલા હતા. જેથી તે બંને લોકોને બહાર કાઢ્યા હતા. બસની અંદર 40 લોકો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં મુસાફરોને નાની મોટી ઈજા થઇ હતી. જેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.