શું ભારત અમેરિકી કૃષિ માટે દ્વાર ખોલશે? ઝીરો ટેરિફનો દાવો, પણ સવાલો યથાવત, ટ્રેડ ડીલ જાહેરાતથી ભારતની સુરક્ષાત્મક વેપાર નીતિ સામે પ્રશ્નચિહ્ન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ટ્રેડ ડીલ થવાની જાહેરાત કરતાં ભારતની પરંપરાગત ટ્રેડ પોલિસીમાં મોટા ફેરફારની સંભાવના અંગે ચર્ચા તેજ બની છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અમેરિકી ઉત્પાદનો પરના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો ઘટાડશે.કેટલાક ક્ષેત્રોમાં ‘ઝીરો’ ટેરિફની પણ તેમણે વાત કરી છે.તેના બદલામાં અમેરિકા ભારત પરના રિસીપ્રોકલ ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરશે તેવી તેમણે ઘોષણા કરી છે.
Truth Social પરના પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત બાદ આ સહમતિ બની. તેમના કહેવા મુજબ, ભારત રશિયન તેલની ખરીદી બંધ કરીને અમેરિકા અને શક્ય હોય તો વેનેઝુએલા પાસેથી વધુ ઊર્જા ખરીદશે,જેને તેમણે યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં મહત્વપૂર્ણ ગણાવ્યું.
વેપાર નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ‘ઝીરો ટેરિફ’નો અર્થ તરત તમામ શુલ્ક હટાવવાનો નથી; સામાન્ય રીતે તે પસંદગીના ઉત્પાદનો પર તબક્કાવાર છૂટછાટ દર્શાવે છે. નોન-ટેરિફ અવરોધોમાં લાયસન્સિંગ, ક્વોટા, સર્ટિફિકેશન, લોકલ સોર્સિંગ શરતો અને નિયમનકારી મંજૂરીઓ જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે—જે બજારમાં પ્રવેશને અસર કરે છે.
જો કે સૌથી મોટો પ્રશ્ન કૃષિ ક્ષેત્રનો છે. જો અમેરિકી કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે ભારતીય બજાર વધુ ખુલશે, તો તે ભારતની લાંબા સમયથી ચાલતી સુરક્ષાત્મક ટ્રેડ નીતિમાં નોંધપાત્ર વળાંક ગણાશે. જોકે, ભારત સરકારે હજી સુધી ટેરિફ અથવા નોન-ટેરિફ અવરોધો દૂર કરવાની કોઈ સત્તાવાર ઘોષણા કરી નથી. વડાપ્રધાન મોદીએ ટ્રેડ ડીલને ‘Made in India’ માટે તક ગણાવી છે, પરંતુ કૃષિ સહિતના સંવેદનશીલ ક્ષેત્રો અંગે કોઈ સ્પષ્ટતા નથી.
ટ્રમ્પે એ પણ જણાવ્યું કે ભારત અમેરિકી ઊર્જા, ટેક્નોલોજી, કૃષિ, કોલ સહિતના ઉત્પાદનોમાં ડોલર 500 અબજથી વધુની ખરીદી કરશે. જોકે, કયા ઉત્પાદનો, કઈ સમયરેખા અને કઈ શરતો પર,બીતે અંગે બંને પક્ષ તરફથી વિગતવાર ફ્રેમવર્ક હજી બહાર આવ્યું નથી.
ટ્રેડ ડીલ – મહત્વના મુદ્દા
- અમેરિકા ભારત પરનો રિસીપ્રોકલ ટેરિફ 25%થી ઘટાડીને 18% કરશે
- ટ્રમ્પનો દાવો: ભારત ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો ઘટાડશે
- ‘ઝીરો ટેરિફ’નો અર્થ પસંદગીના ઉત્પાદનો પર તબક્કાવાર છૂટછાટ
- અમેરિકી કૃષિ અને ઊર્જા ઉત્પાદનો માટે બજાર ખુલવાની ચર્ચા
- ભારત તરફથી કોઈ સત્તાવાર નીતિ પુષ્ટિ નહીં;
આ પણ વાંચો :કાઠમાંડુંથી ઇસ્તંબુલ જતી ફ્લાઇટનું કોલકાતા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ: એન્જિનમાં આગ લાગી હોવાની આશંકા, 236 મુસાફરોનો ચમત્કારિક બચાવ
કૃષિ પર નિર્ણય અસ્પષ્ટ
EU સાથે ટ્રેડ ડીલની સરખામણી
ભારતે તાજેતરમાં યુરોપિયન યુનિયન સાથે થયેલી ટ્રેડ ડીલમાં 96 ટકા કરતાં વધુ ટ્રેડેડ ગુડ્સ પર ટેરિફ ઘટાડવા અથવા દૂર કરવા સહમતિ આપી છે. જોકે, તેમાં કૃષિ અને કેટલાક સંવેદનશીલ ક્ષેત્રોને બહાર રાખવામાં આવ્યા છે. નિષ્ણાતો માને છે કે જો અમેરિકા સાથેની ડીલ વાસ્તવમાં અમલમાં આવે, તો ભારત EU મોડલ જેવી જ રીત અપનાવી શકે જેમાં મોટા ભાગના ઉત્પાદનો પર છૂટછાટ હોય પરંતુ કૃષિ જેવા ક્ષેત્રોમાં સંયમ દાખવવામાં આવ્યો હોય
