વડોદરાના ભાજપના પાંચ ધારાસભ્યોએ અધિકારીઓની આપખુદશાહી સામે બંડ પોકાર્યો:મુખ્યમંત્રીને રજૂઆત
રાજ્યમાં અધિકારીઓની મનમાની સામે વારંવાર ફરિયાદો ઊઠતી રહી છે પરંતુ હવે ભાજપના જ ધારાસભ્યોએ અવાજ ઉઠાવતા પરિસ્થિતિ કેટલી હદે બગડી હશે તે સમજી શકાય છે. આજે વડોદરાના ભાજપના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે વડોદરા જિલ્લાના અધિકારીઓ ધારાસભ્યોને ગાંઠતા જ નથી. ઉપરથી સામાન્ય પ્રજાના કામ પણ નથી કરતા કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો માન મરતબો પણ નથી જાળવતા.
વડોદરાના ભાજપના પાંચ ધારાસભ્યો કેતન ઇનામદાર, શૈલેષ મહેતા (સોટ્ટા), ધર્મેન્દ્રિંસહ વાઘેલા, અક્ષય પટેલ, અને ચૈતન્યિંસહ ઝાલાએ આજે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું હતું કે રાજ્યમાં ઠેર ઠેર વહીવટ ખોરંભે ચડ્યો છે. પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા નથી. એક સામાન્ય માણસને પોતાનું નાનું કામ સરકારી કચેરીમાં કરાવવું એ જાણે એક યુદ્ધ લડવા જેવું બની ગયું છે. રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈ તમામ નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વિતા દર્શાવતા થઈ ગયા છે. કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પોતાને ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારના સચિવો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જમીની હકીકત, પ્રજાના પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિને જોયા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સરકારને હકીકતોથી દૂર રાખવામાં આવે છે. પ્રજા અને જન પ્રતિનિધિઓથી પણ પોતાને ઉપર સમજી રહ્યા છે. અને અંધાધૂંધ વહીવટ ચલાવે છે. જેનાથી સરકારની છબી ખરડાઈ રહી છે. ધારાસભ્યો દ્વારા સૂચવવામાં આવેલા કાર્યો કરવામાં આવતા નથી. ઉપરથી પ્રજાને કહેવામાં આવે છે કે તમે ધારાસભ્યોની મદદ કેમ માંગો છો? આ પ્રમાણેની ખરાબ માનસિકતા સાથે વહીવટી તંત્ર વહીવટ ચલાવે તે જરા પણ યોગ્ય નથી.
આ અંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે આજે પાંચેય ધારાસભ્યોએ લેખિત રજૂઆત કરી છે. આ પૂર્વે અમે મુખ્યમંત્રી સહિતના સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે લેખિત રજૂઆત કરવી પડી છે.
