અમેરિકાને રાજી કરવા કેન્દ્ર સરકાર શું કરવા જઈ રહી છે ? વાંચો
કેન્દ્ર સરકારે બિન-નિવાસી સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી ઓનલાઈન જાહેરાત સેવાઓ પર 6 ટકા સમાનતા ફી (ડિજિટલ ટેક્સ) નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તે મંજૂર રખાયો હતો. ગુરુવારે નાણામંત્રી નિર્મલાએ લોકસભામાં ફાયનાન્સ બિલ રજૂ કર્યું હતું અને તે પાસ કરી દેવાયું હતું. આ બિલમાં જ ડિજિટલ ટેક્સ હટાવવાની જોગવાઈ છે .
ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો અને 2 એપ્રિલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમાન ટેરિફ લાદવાની જાહેરાત પહેલા આ પગલું લેવામાં આવ્યું છે. આ પહેલા પણ સરકારે આ ડિજિટલ ટેક્સ ઘટાડવાનો સંકેત આપ્યો હતો. ફાયનાન્સ બિલમાં ૩૫ સુધારા કરાયા છે અને પાસ થયા છે .
ઓનલાઈન જાહેરાતો પરનો ૬ ટકાનો ટેક્સ ગૂગલ ટેક્સ તરીકે પણ ઓળખાય છે. જો કે કેન્દ્ર સરકારે હવે આ આવક પણ ગુમાવવી પડી છે. નિર્મલાએ લોકસભામાં એમ કહ્યું હતું કે ફાયનાન્સ બિલમાં કરદાતાઓને ઘણી રાહતો અપાઈ છે અને પ્રક્રિયા સરળ બનાવાઈ છે . આ બિલ હવે રાજ્યસભામાં જશે.
લોકસભામાં ગુરુવારે વિપક્ષ દ્વારા અલગ અલગ મુદ્દાઓ પર સરકાર પર પ્રહાર કરાયા હતા અને જજ વર્માના કેશ કાંડની ચર્ચા કરાવવાની માંગણી કરી હતી જે નકારી દેવાઈ હતી.