રાજકોટમાં દસ્તાવેજ નોંધણીમાં હાઉસફુલ ! 3 એપ્રિલ સુધીનું વેઇટિંગ
ગોંડલ અને કોટડા સાંગાણી સિવાય તમામ કચેરીમાં એપોઇન્ટમેન્ટ ફૂલ
માર્ચ એન્ડિંગને કારણે દસ્તાવેજ નોંધણી માટે સ્લોટ વધારવા રેવન્યુ બાર એસોશિએશનની માંગણી
રાજકોટ : આગામી એપ્રિલ મહિનાથી નવી જંત્રી અમલી બનવાની દહેશત વચ્ચે રાજકોટ શહેર અને જિલ્લાની મોટાભાગની સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાલમાં દસ્તાવેજ નોંધણી માટે વેઇટિંગની સ્થિતિ વચ્ચે ગોંડલ અને કોટડા સાંગાણી સિવાય તમામ કચેરીમાં એપોઇન્ટમેન્ટ ફૂલ થઇ જતા 3 એપ્રિલ સુધીનું વેઇટિંગ ચાલી રહ્યું છે. જેથી રાજકોટ રેવન્યુ બાર એસોશિએશન પ્રમુખ દ્વારા રાજ્યના નોંધણી સર નિરીક્ષક સમક્ષ ટાઇમસ્લોટ વધારવા અંગે રજુઆત કરવામાં આવી છે.
નવી જંત્રી અમલમાં આવે તેવી શક્યતાઓ વચ્ચે જૂની જંત્રી મુજબ હાલમાં દસ્તાવેજ નોંધણી કરવા માટે લોકો લાઈનો લગાવી રહ્યા છે ટાયરે બીજી તરફ માર્ચ એન્ડિંગને કારણે પણ હાલમાં રાજકોટ શહેરની ઝોન-1થી લઈ ઝોન આઠ સુધીની તમામ કચેરીમાં તા.25 માર્ચની સ્થિતિએ આગામી એપ્રિલ થી લઈ 3 એપ્રિલ સુધીના વેઇટિંગ બતાવી રહ્યા હોય રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન દ્વારા દસ્તાવેજ નોંધણી માટે એપોઇન્ટમેન્ટ સ્લોટ વધારવા માટે રાજ્યના નોંધણી સર નિરીક્ષક સમક્ષ માંગણી કરેલ હોવાનું રાજકોટ રેવેન્યુ બાર એસોશિએશનના સેક્રેટરી વિજયભાઈ તોગડીયાએ જણાવ્યું હતું.
વધુમાં રેવેન્યુ બાર એસોશિએશનના સેક્રેટરી વિજયભાઈ તોગડીયાએ જણાવ્યું હતું કે, હાલમાં રાજ્ય સરકારના નોંધણી સર નિરીક્ષક પાસે અદ્યતન સોફ્ટવેર ટેક્નોલોજીને કારણે તમામ સ્થિતિની જાણકારી હોવા છતાં પણ દસ્તાવેજ નોંધણીમાં એપોઇન્ટમેન્ટ ફૂલ થવા મામલે ઉચ્ચકક્ષાએથી લોકોને સુગમતા માટે કોઈ કાર્યવાહી થતી નથી ઉલટું જયારે રજુઆત કરવામાં આવે ત્યારે જ પગલાં લેવામાં આવતા હોય છે. જેથી હાલની સ્થિતિં અંગે તાત્કાલિક નિર્ણય લઈ દસ્તાવેજ નોંધણી માટે લોકોને મુશ્કેલી ન પડે તે માટે એપોઇન્ટમેન્ટ સ્લોટ વધારવા કાર્યવાહી કરવા માંગણી કરવમાં આવી હતી.