કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે મધ્યસ્થી બનવા ટ્રમ્પ તૈયાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની અચાનક જાહેરાતના સોળ કલાક બાદ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે બંને પડોશી દેશો સાથે મળીને કાશ્મીર મુદ્દાનો ઉકેલ શોધવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીએ હંમેશા ભારપૂર્વક જણાવ્યું છે કે કાશ્મીર ભારતનો અબાધિત ભાગ છે અને તે ત્રીજા પક્ષના મધ્યસ્થીનો વિરોધ કરે છે. ટ્રમ્પના આ તાજા પ્રસ્તાવ પર ભારત સરકારનો જવાબ હજુ બાકી છે.
ટ્રમ્પે તેમની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
“ટ્રુથ” પર ટ્વીટ કરીને આ દરખાસ્ત કરી હતી.તેમણે યુદ્ધ વિરામ સમજૂતી કરવાના બન્ને રાષ્ટ્રોના નિર્ણયને બિરદાવી અને બન્ને દેશ સાથે વ્યાપાર સંબંધ વધારવાનો વાયદો કર્યો હતો તેમણે લખ્યું,”મને ગર્વ છે કે યુએસએ આ ઐતિહાસિક અને બહાદુર નિર્ણય સુધી પહોંચવામાં તમારી મદદ કરી શક્યું. જોકે આ વિશે ચર્ચા પણ નહોતી થઈ, હું બંને મહાન રાષ્ટ્રો સાથે વેપારને નોંધપાત્ર રીતે વધારવા જઈ રહ્યો છું. વધુમાં, ‘હજાર વર્ષ’ પછી, કાશ્મીર અંગે કોઈ ઉકેલ મળી શકે તે માટે હું તમારા બંને સાથે મળીને કામ કરીશ.ભારત અને પાકિસ્તાનના નેતૃત્વને શાનદાર કામગીરી માટે ભગવાનના આશીર્વાદ.” ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે તેમના પ્રથમ શાસન કાળ દરમિયાન પણ આ મુદે મધ્યસ્થીનો પ્રસ્તાવ રાખ્યો હતો પણ ભારતે ત્રીજા કોઈપણ પક્ષની દરમિયાનગીરીનો ઇનકાર કરી દીધો હતો.