હવે યુદ્ધ વિરામનો ભંગ પાક.ને ભારે પડશે
યુદ્ધ વિરામ જાહેર થયા બાદ બંને દેશના DGMO વચ્ચે વાતચીત પહેલા જ ભારતે આપ્યો કડક સંદેશો
આજે બપોરે DGMO યુદ્ધ વિરામ પહેલાની અને પછીની સ્થિતિની કરશે સમિક્ષા : ભારત યુદ્ધ વિરામ ભંગનો મુદ્દો ઉઠાવશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત પછી પહેલી વખત સોમવારે બપોરે બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ વચ્ચે બેઠક થશે અને હાલની સ્થિતિની સમિક્ષા થશે. આ મંત્રણા ભારતના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ તથા પાકિસ્તાનનાં ડીજીએમઓ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લાહ વચ્ચે થશે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં ભારત તરફથી પાકિસ્તાને કરેલા યુદ્ધ વિરામ ભંગનો મુદ્દો ઉઠાવવામાં આવશે. આ પૂર્વે રવિવારે સાંજે ભારતના ડીજીએમઓ રાજીવ ઘાઈએ સ્પષ્ટ કહ્યું હતું કે, યુદ્ધ વિરામની જાહેરાત પછી પણ પાકિસ્તાને ફાયરીંગ ચાલુ રાખ્યુ હતું અને દેશના સી.ડી.એસ.ચૌહાણે સેનાની ત્રણેય પાંખોને જો હવે યુદ્ધ વિરામ સંધિનો ભંગ થાય તો જડબાતોડ જવાબ આપવાની છૂટ આપી છે. પાકિસ્તાન હવે ભૂલ કરશે તો તેને ખબર પડશે કે ભારત શું કરી શકે છે.
શનિવારે જયારે ભારત તરફથી યુદ્ધ વિરામ અંગે જાહેરાત કરવામાં આવી ત્યારે જ બંને દેશોના ડીજીએમઓ સોમવારે બપોરે ૧૨ વાગ્યે વાતચીત કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. હવે સોમવારે બપોરે બંને દેશો વચ્ચે મંત્રણા થવાની છે ત્યારે ભારત યુદ્ધ વિરામ ભંગનો મુદ્દો જોરશોરથી ઉઠાવશે અને પાકિસ્તાન પાસે ખુલાસો માગશે.
સુત્રોએ કહ્યુ કે, સોમવારની બેઠકમાં પહેલગામ સિવાય કોઈ બીજા મુદ્દે વાતચીત નહી થાય.
ઓપરેશન સિંદુર હજુ ચાલુ જ છે : એરફોર્સ
અમને જે ટાસ્ક મળ્યા તે અમે પૂર્ણ કર્યા’ ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન
ભારતીય વાયુસેનાએ ‘ઓપરેશન સિંદૂર’ અંગે મહત્વનું નિવેદન જાહેર કર્યું છે, જેમાં જણાવાયું છે કે આ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને સેનાએ તેને સોંપાયેલા તમામ ટાસ્કને ચોકસાઈ અને વ્યાવસાયિકતા સાથે પૂર્ણ કર્યા છે. ભારતીય વાયુસેનાએ આ નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને દેશવાસીઓને આ માહિતી આપી છે.
વાયુસેના એ જણાવ્યું છે કે, ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને વિચારપૂર્વક હાથ ધરવામાં આવી હતી. ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ અંગે વિગતવાર માહિતી આગળ આપવામાં આવશે. વાયુસેનાએ લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરી છે.
પાકિસ્તાને ગભરાઈને યુદ્ધ વિરામ માટે વિનંતી કરી હતી : DGMO
સેનાની ત્રણેય પાંખના ડીજી સાથે પત્રકાર પરિષદ યોજી ઓપરેશન સિંદુરની વિગત આપી
આતંકવાદને ખતમ કરવા માટે ભારતે જે પગલા લીધા હત તે સફળ થયા છે અને ટાર્ગેટ અને હેતુ હાંસલ કરી લીધા છે તેવો દાવો ડાયરેક્ટર જનરલ ઓફ મીલીટરી ઓપરેશન્સ રાજીવ ઘાઈએ પત્રકારો સમક્ષ કર્યો હતો. રવિવારે સાંજે સીડીએમઓ ઉપરાંત સેનાની ત્રણેય પાંખનાં ડીજીએ એક પત્રકાર પરિષદને સંબોધી હતી. સેનાના આ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાનનાં ૯ કેમ્પમાં રહેલા આતંકીઓના કેમ્પનો ખાત્મો બોલાવ્યો છે અને આ ઓપરેશનમાં ૧૦૦ જેટલા આતંકીઓ માર્યા ગયા છે. વધુમાં ૩૫ થી ૪૦ પાકિસ્તાની જવાનો અને અધિકારીઓ પણ માર્યા ગયા છે. ભારતે પણ પાંચ જવાનો ખોયા છે.
રાજીવ ઘાઈએ કહ્યું હતું કે, ભારતે લીધેલા પગલાથી ગભરાઈને પાકિસ્તાનનાં ડીજીએમઓએ ગભરાઈને યુદ્ધ વિરામ માટે વિનંતી કરી હતી અને તે ભારતે સ્વીકારી હતી.
એર માર્શલ એ.કે.ભારથીએ કહ્યું હતું કે, આ સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનનું એક પણ વિમાન ભારતમાં ઘુસી શક્યું નથી. કેટલાક સ્થળેથી ઘુસણખોરીનો પ્રયાસ જરૂર થયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, હજુ ભવિષ્યમાં જરુરુ પડે તો પગલાં લેવામાં આવશે.
વાઈસ એડમિરલ એ.એન.પ્રમોદે કહ્યું હતું કે, પાકિસ્તાને ડ્રોન મોકલ્યા હતા અને તે તમામને તોડી પાડવામાં આવ્યા હતા. આ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓને ખતમ કરવા એ એક જ મકસદ હતો અને તેમાં સફળ થયા છીએ.
સેનાના ડીજી સંદીપ સારડાએ કહ્યું હતું કે, આ ઓપરેશન દરમિયાન ભારતના તમામ પાઈલોટ સુરક્ષિત રહ્યા છે. ભારતે પાકિસ્તાનના કેટલાક જેટ વિમાન તોડી પાડ્યા છે.