કેજરીવાલને રાહત નહીં; જામીન અરજી પર ચુકાદો હવે 10 મીએ
ગુરુવારે આખો દિવસ દલીલો બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
સુપ્રીમ કોર્ટે ગુરુવારના રોજ દિલ્હી દારૂ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન પર ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં 10 સપ્ટેમ્બર 2024ના રોજ ચુકાદો આવશે. અરવિંદ કેજરીવાલે ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કથિત દારૂ કૌભાંડમાં સીબીઆઈએ લગભગ બે વર્ષ સુધી તેમની ધરપકડ કરી નહોતી અને જ્યારે ઈડી દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા ત્યારે 26 જૂને ધરપકડ કરી. તેમના વકીલ અભિષેક સિંઘવીએ કોર્ટને જણાવ્યું કે ધરપકડ પહેલાં સીબીઆઈએ તેમને કોઈ નોટિસ આપી નહોતી.
વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટને દિલ્હીના મુખ્યમંત્રી માટે જામીનની વિનંતી કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ એક બંધારણીય પદના પદાધિકારી છે અને તેમના ભાગી જવાનો કોઈ ખતરો નથી. આના પર એસવી રાજુએ કહ્યું કે કાયદામાં કોઈ ખાસ વ્યક્તિ નથી હોતી, બધા સામાન્ય માણસ હોય છે.
એસજી રાજુએ સુપ્રીમ કોર્ટને કહ્યું, “મને જણાવવામાં આવ્યું છે કે કોર્ટે પણ ચાર્જશીટનું સંજ્ઞાન લીધું છે. એનો અર્થ એ છે કે પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે. આજે જો માનનીય જસ્ટિસ સીએમ કેજરીવાલને જામીન આપે છે તો તે હાઈકોર્ટ માટે મનોબળ તોડનારી બાબત હશે.”