રાજકોટ જીએમએસસીએલ ગોડાઉનમાં દવા પલળી જવા પ્રકરણનું કડવું સત્ય
રાજકોટ વેરહાઉસમાં રૂ.500 કરોડની દવાનો જથ્થો એમ.જે.સોલંકીના માણસોને હવાલે !
ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના વેરહાઉસમાં ઇન્ચાર્જ સરકારી અધિકારી આવતા જ ન હોવાનો ધડાકો
રાજકોટ : રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલ અને સરકારી દવાખાનાઓને જ્યાંથી દવા સપ્લાય કરવામાં આવે છે તેવા રાજકોટના જીએમએસસીએલ એટલે કે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના વેરહાઉસમાં ખુલ્લામાં રાખેલ દવા, ઇન્જેક્શન અને પીપીઈ કીટ સહિતની લાખોની સામગ્રી પલળી જવા પ્રકરણમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે, રાજકોટના મોરબી રોડ ઉપર ઓવરબ્રિજ નીચે આવેલ આ વિવાદિત ગોડાઉન ખાનગી કોન્ટ્રાકટર એમ.જે.સોલંકીના માણસોને હવાલે હોવાનું અને અહીં 500 કરોડ રૂપિયાની દવા પડેલી હોવા છતાં ઇન્ચાર્જ સરકારી અધિકારી ડોકાતા જ ન હોવાનું સામે આવ્યું છે, લાખો રૂપિયાની દવા પલળી ગયા બાદ પણ આ અધિકારી અહીં ફરક્યા ન હોવાનું પણ ખુલ્યું છે.
રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર રેલવે ઓવરબ્રિજ નીચે આવેલ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના વેરહાઉસમાં ભારે વરસાદમાં ગોડાઉનની બહાર મુકેલ 600થી વધુ પીપીઈ કીટ સહિતનો જથ્થો પલળી જવાની સાથે મોરબી જિલ્લામાં સપ્લાય કરવાની સૉફરામાયસીન સહિતની દવાઓ અને ઇન્જેક્શનનો જથ્થો પલળી જતા સમગ્ર મામલે દેકારો બોલી ગયો હતો અને આ ગંભીર બાબતે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પણ સરકારમાં રિપોર્ટ કર્યો હોવાનું તેમને જણાવ્યું હતું.
બીજી તરફ રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને મોરબીની સીવીલ હોસ્પિટલ તેમજ અન્ય સરકારી દવાખાનાઓ મળી કુલ 113 સેન્ટરમાં દવાઓ સપ્લાય કરવામાં આવે છે તેવા જીએમએસસીએલ વેરહાઉસની વોઇસ ઓફ ડેએ રૂબરૂ મુલાકાત લેતા અનેક ચોંકાવનારી બાબતો સામે આવી હતી. ગુજરાત સરકારની કંપની સંચાલિત આ વેરહાઉસમાં હાલમાં અમરેલી જિલ્લાના જીએમએસસીએલ વેરહાઉસ મેનેજર મનીષ કુબાવતને ચાર્જ સોંપવામાં આવ્યો છે જેઓ અઠવાડીએ એક વખત આવવું હોય તો આવે છે અને દવા સપ્લાય કરવાનો સમગ્ર વહીવટ એમ.જે.સોલંકીએ મુકેલા સિનિયર ફાર્માસીસ્ટ રૃચિત દેવમુરારી કરતા હોવાનું બહાર આવ્યું હતું.
વધુમાં રાજકોટ જીએમએસસીએલ વેરહાઉસમાં અંદાજે 500 કરોડની દવાઓનો જથ્થો હાલમાં પડ્યો હોવાનું તેમજ રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લાને દવા સપ્લાય કરવા માટે એમ.જે.સોલંકીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોવાનું જેમાં એક સિનિયર ફાર્માસીસ્ટ, 3 જુનિયર ફાર્માસીસ્ટ, 3 પેકર્સ, 4 સ્વીપર અને દિવસે અને રાત્રે બબ્બે મળી કુલ ચાર સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા હોવાનું સિનિયર ફાર્માસીસ્ટ દેવમુરારીએ જણાવ્યું હતું.
દવા પલળી જવા મામલે ગાંધીનગરથી તપાસના આદેશ
રાજકોટના જીએમએસસીએલ વેરહાઉસમાં લાખો રૂપિયાની દવા પલળી જવા મામલે જીએમએસસીએલના એમડી ગંગાસિંઘ દ્વારા તપાસનો આદેશ કરી સમગ્ર મામલાની તપાસ માટે ગાંધીનગર વડી કચેરીએથી ટીમને મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.