રાજકોટના ખાદ્યપદાર્થોમાં ભેળસેળના વધતા કિસ્સાઓને જોઈને મહાનગરપાલિકા હવે આકરા મૂડમાં આવી ગઈ છે. મેયર ડો. નેહલ શુક્લાએ ભેળસેળખોરો સામે ખુલ્લી ચેતવણી આપીને કહ્યું કે “ખોરાકમાં ભેળસેળ કરવી એ સમાજ સામે આતંકવાદી ષડયંત્ર જેટલું ગંભીર પાપ છે”. આજથી શહેરમાં એક વર્ષ લાંબી મેગા ડ્રાઇવ શરૂ થઈ ગઈ છે. આરોગ્ય વિભાગની 3 અલગ ટીમો રોજિંદા વપરાશની ચીજોથી લઈને તૈયાર ખોરાક સુધીના નમૂના લેશે અને તરત જ રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી કરશે. નાગરિકોને પણ માહિતી આપવા અપીલ કરાઈ છે.
રાજકોટમાં તાજેતરમાં પિઝા પાર્લરથી લઈને અન્ય ફૂડ યુનિટ્સમાં અખાદ્ય સામગ્રી ઝડપાતા તંત્ર સતર્ક બન્યું છે. મેયર ડો. નેહલ શુક્લા અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંયુક્ત રીતે આ મેગા એક્શન પ્લાન જાહેર કર્યો.
1 વર્ષ સુધી સત ચેકિંગ ઝુંબેશ
મેયરના જણાવ્યા મુજબ, ભેળસેળથી લોકોના સ્વાસ્થ્ય સાથે સીધો ચેડો થાય છે. તેથી હવે કોઈ ઢીલાશ નહીં રાખવામાં આવે. આજથી શરૂ થનારી વિશેષ ઝુંબેશ આગામી 12 મહિના સુધી સત ચાલશે. શહેરના દરેક ઝોન, બજારો, હોટલો, ગાર્ડન ફૂડ સ્ટોલ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં સઘન ચેકિંગ થશે.
આ પણ વાંચો: કુમકુમ ભાગ્ય સિરિયલથી જાણીતી ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ કર્યો આપઘાત
3 કેટેગરીમાં તપાસ
આરોગ્ય વિભાગની ટીમો 3 અલગ-અલગ કેટેગરીમાં નમૂના લેશે:
1. તૈયાર ખાદ્ય પદાર્થો: પિઝા, નુડલ્સ, પાસ્તા, શેરીઓમાં વેચાતો ફાસ્ટ ફૂડ
2. રોજિંદા વપરાશની ચીજો: દૂધ-દહીં, તેલ, મસાલા, મીઠાઈ
3. અનાજ અને કાચી સામગ્રી: ઘઉં, ચોખા, દાળ, મેંદો સહિત
રિપોર્ટમાં વિલંબ નહીં, તાત્કાલિક કાર્યવાહી
કમિશનર તુષાર સુમેરાએ કહ્યું કે નમૂનાના પરીક્ષણમાં વિલંબ ન થાય તે માટે લેબની ક્ષમતા વધારવામાં આવી છે. જેથી 24-48 કલાકમાં રિપોર્ટ મળી જાય અને FSSAIના નિયમો મુજબ દંડ, સીલ કે FIR જેવી કડક કાર્યવાહી તરત થઈ શકે.
નાગરિકોની ભાગીદારી જરૂરી
મેયરે શહેરવાસીઓને અપીલ કરી કે જો કોઈ દુકાન, હોટલ કે ફેક્ટરીમાં ભેળસેળ થતી હોવાની શંકા હોય તો તરત જ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરે. નાગરિકોના સહકાર વગર આ દૂષણ નાબૂદ નહીં થાય.
રાજકોટ મનપાની આ જાહેરાતને ભેળસેળના વધતા પ્રશ્ન સામે સખત પગલું ગણવામાં આવી રહ્યું છે. હવે આગામી દિવસોમાં કેટલા નમૂના ફેઈલ જાય છે અને કેટલા વેપારીઓ સામે કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે.
