Space X ના 40 માળ ઊંચા વિશ્વના સૌથી મોટા રોકેટનું દરિયામાં સફળતાપૂર્વક લેન્ડિંગ
અંતરિક્ષમાં ૨૦ સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યા બાદ આગની જ્વાળાઓ વચ્ચે પૃથ્વી પર સહીસલામત પરત ફરી પાણી પર તરવાનો અદભુત રેકોર્ડ બનાવ્યો
ટેક્સાસ (અમેરિકા): અંતરિક્ષ વિજ્ઞાનના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અધ્યાય લખાયો છે. ઇલોન મસ્કની એરોસ્પેસ કંપની SpaceX ના સૌથી શક્તિશાળી અને વિશાળ રોકેટ ‘સ્ટારશિપ’ (Starship) એ તેના Flight 13 ટેસ્ટ મિશન દરમિયાન અત્યાર સુધીનું સૌથી સચોટ અને સોફ્ટ લેન્ડિંગ પૂરું કર્યું છે. પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશ કરતી વખતે પેદા થયેલી પ્રચંડ ગરમી અને વધારાના બળતણના કારણે રોકેટની આસપાસ આગની ભીષણ જ્વાળાઓ દેખાતી હોવા છતાં, સ્ટારશિપે હિંદ મહાસાગરમાં બિલકુલ સીધા ઊભા રહીને ‘સોફ્ટ સ્પ્લેશડાઉન’ (પાણી પર હળવું ઉતરાણ) સફળતાપૂર્વક પૂરું કર્યું છે.
આ ઐતિહાસિક મિશન માટે સ્પેસએક્સના 407 ફૂટ (આશરે 40 માળ) ઊંચા વિરાટ રોકેટે અમેરિકાના દક્ષિણ ટેક્સાસમાં આવેલા કંપનીના ખાનગી સ્પેસપોર્ટ ‘સ્ટારબેઝ’ (Starbase) પરથી સાંજે 5.51કલાકે ઉડાન ભરી હતી. 33 શક્તિશાળી મિથેન-ફ્યુઅલ આધારિત રેપ્ટર એન્જિનોની મદદથી આ મેગા-રોકેટે આશરે ૧.૬ કરોડ પાઉન્ડના પ્રચંડ થ્રસ્ટ (ધક્કા) સાથે આકાશને ચીરીને સ્પેસ તરફ પ્રયાણ કર્યું હતું. આ આખું મિશન 1 કલાક અને 5 મિનિચાલ્યું હતું.
આ પણ વાંચો: બિહારમાં આંદોલનકારી વિદ્યાર્થીઓ પર AK-47થી ફાયરિંગ: પોલીસકર્મી સસ્પેન્ડ
લોન્ચ થયા બાદ સ્પેસક્રાફ્ટે અંતરિક્ષમાં જઈ નેક્સ્ટ-જનરેશનના 20 સ્ટારલિંક V3 ઇન્ટરનેટ સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યા. હતા અને ત્યાર બાદ પૃથ્વી તરફ પાછું ફરી ઓસ્ટ્રેલિયાની પશ્ચિમે હિંદ મહાસાગરમાં આયોજિત ટાર્ગેટ પર સફળતાપૂર્વક ઊભું લેન્ડ થઈને તરતું રહ્યું હતું.
જો કે ઉડાનના પ્રથમ તબક્કામાં રોકેટના બૂસ્ટર એ ઉડાનની આશરે 7 મિનિટ પછી અમેરિકા નજીક મેક્સિકોના અખાતમાં લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 13 માંથી માત્ર 5 એન્જિન ફરી ચાલુ થઈ શકવાના કારણે તે પાણી સાથે વધુ ઝડપે અથડાઈને નષ્ટ થયું હતું.
આ કારણોસર ગણાય છે ઐતિહાસિક સિદ્ધિ
અત્યાર સુધી દુનિયાના મોટાભાગના રોકેટ એક જ વાર વાપરી શકાતા હતા. પરંતુ સ્ટારશિપનું પાણી પર આટલી ચોકસાઈથી અકબંધ લેન્ડિંગ સાબિત કરે છે કે ભવિષ્યમાં આ વિશાળ રોકેટને વિમાનની જેમ વારંવાર વાપરી શકાશે, જેનાથી સ્પેસ મિશનનો ખર્ચ ૧૦૦ ગણો ઘટી જશે.. અગાઉના ટેસ્ટમાં રોકેટ પાણી પર પડતાની સાથે જ બ્લાસ્ટ થઈ જતા હતા. આ વખતે વાતાવરણના ઘર્ષણની પ્રચંડ આગ અને જ્વાળાઓ વચ્ચે પણ રોકેટ પાણીમાં તૂટ્યા વગર બોટની જેમ તરતું રહ્યું.
ચંદ્ર અને મંગળ મિશનનો રસ્તો સાફ
નાસા (NASA) પોતાના આગામી ‘આર્ટેમિસ મિશન’ દ્વારા માણસને ફરીથી ચંદ્ર પર મોકલવા માટે આ જ સ્ટારશિપ રોકેટનો ઉપયોગ કરવાનું છે. આ ફ્લાઇટની સફળતાએ ઇલોન મસ્કના મંગળ ગ્રહ (Mars) પર માનવ વસાહત સ્થાપવાના સપનાને ઘણું નજીક લાવી દીધું છે.
