રાજુભાઈ ઓફિસમાં આવે એટલે RMCના કર્મીઓ કહેતાં ‘ઓડિટમાં અજવાળા આવ્યા’ !! સિટી બસે હડફેટે લેતા બન્યા કાળનો કોળિયો
રાજકોટના ઈન્દીરા સર્કલ પાસે સિટી બસ હડફેટે મહાપાલિકાના ઓડિટ વિભાગના કલાર્ક રાજુભાઈ મનુભાઈ ગીડાનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ સમાચાર સાંભળીને મહાપાલિકામાં ગમગીની વ્યાપી જવા પામી હતી ત્યારે રાજુભાઈ સાથે તેમના જ વિભાગમાં ફરજ બજાવનારા સાથી કર્મચારીઓએ ભારે હૈયે કહ્યું હતું કે રાજુભાઈ જ્યારે પણ ઓફિસમાં આવે એટલે સૌં કહેતા હતા કે ‘ઓડિટમાં અજવાળા આવ્યા’ મતલબ કે રાજુભાઈની એન્ટ્રીથી ઓડિટ વિભાગમાં ખુશનુમા વાતાવરણ પ્રસરી જતું હતું.
રાજુભાઈ ગીડા 2020-જાન્યુઆરીથી વર્ગ-૩માં ક્લાર્ક તરીકે કાર્યરત હતા
રાજુભાઈ ગીડા 2020-જાન્યુઆરીથી વર્ગ-૩માં ક્લાર્ક તરીકે કાર્યરત થયા હતા. આ પહેલાં તેમણે વર્ગ-૪ના કર્મચારી તરીકે મેલેરિયા વિભાગમાં ત્રણેક વર્ષ ફરજ બજાવી હતી. આ દરમિયાન મહાપાલિકામાં ઈનહાઉસ પરીક્ષા લેવામાં આવી હતી. મહાપાલિકામાં આઠ ક્લાર્કની જગ્યા ખાલી પડેલી હોય ઈનહાઉસ ભરતી કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પરીક્ષા રાજુભાઈ ગીડાએ પાસ કરી લેતાં વર્ગ-4માંથી વર્ગ-3માં તેઓ પ્રમોશન મેળવીને ઓડિટ વિભાગમાં કાર્યરત થયા હતા.
ઓફિસે કામ પૂર્ણ કરીને પુત્રને રોઝરી સ્કૂલેથી લેવા માટે ગયા હતા
તેઓ રોજ સવારે 9:30 વાગ્યા આસપાસ કચેરીએ પહોંચી જતા હતા પરંતુ હાલ તેમના પુત્રની પરીક્ષા ચાલી રહી હોય તેઓ વહેલા ઓફિસ પર આવી જઈને 8:45 આસપાસ નીકળી જતા હતા. બુધવારે પણ તેઓ ઓફિસે કામ પૂર્ણ કરીને પુત્રને રોઝરી સ્કૂલેથી લેવા માટે ગયા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. વળી, તેમની ભાણેજ પણ રાજકોટ આવી હોય તે પણ સાથે હતી જેથી તેને પણ અકસ્માતમાં ઈજા પહોંચતાં સીનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.
રેલનગરમાં પણ એક બસે આવી જ રીતે જીવલેણ અકસ્માત સજર્યો હતો
પોપટપરા રેલનગરથી યુનિવર્સિટી રૂટ પર દોડતી બસે રેલનગરમાં અકસ્માતની હારમાળા કરી હતી. રિક્ષા, ટુ વ્હીલર્સને ઠોકરે લીધા હતા. શાકભાજી લઈને આવતી એક મહિલાને કચડી નાખી મોત નિપજાવ્યું હતું. જ્યારે રિક્ષામાં બેઠેલા પેસેન્જર્સ ઘવાયા હતા. જે તે સમયે ચાલકને હાર્ટએટેક આવતા બસ પરથી કાબૂ ગુમાવ્યો હોવાની વાત જાહેર થઇ હતી. છાસવારે રાજકોટમાં આવી રીતે બસો લોકોના જીવ લેતી રહે છે. કેસ થતા રહે અને ફરી હતુ એને એ જ. જીવલેણ અકસ્માતતો બહાર આવે છે બાકી સામાન્ય અકસ્માતો બાબતે જાણે કોઈ દરકાર જ જેવુ નથી.