સિવિલ હોસ્પિટલમાં 11 ફૂટ ઉંડા ખાડાએ એક દર્દીનો જીવ લીધો
હોસ્પિટલના મુખ્ય પ્રવેશ પર નવા ગેઇટનો પિલોર બનાવવા માટે ખોદાયેલા ખાડા બની ઘટના : તાલાલાના દર્દી વહેલી સવારે ચા પીવા નીકળ્યાને અંધારામાં ખાડો ન દેખાતા અંદર ખાબક્યા : લોકોએ રેસ્ક્યૂ કરી સારવારમાં ખસેડયા પણ જીવ ન બચ્યો : કોન્ટ્રાકટરની બેદરકારીનો પરિવારનો આક્ષેપ
રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. પીડીયુ સિવિલ હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વારનું રીનોવેશન ચાલી રહ્યું છે. દ્વારને હાલ નવો બનાવવામાં આવી રહ્યો હોઇ જેથી આ ગેઇટને બંધ કરાયો છે અને હાલ કામ ચાલી રહ્યું છે. જો કે આ ગેઇટ પાસે પિલોર બનાવવા માટે ખોદાયેલા ઉંડા ખાડાને આડશ વગર કે ચેતવણી વગર ખુલ્લા મુકી દેવતા આ ખાડાએ એક દર્દીનો જીવ લીધો છે. ગઇકાલ સવારે સાડા છએક વાગ્યે એક દર્દી વોર્ડમાંથી ચા-પાણી પીવા નીચે ઉતર્યા ત્યારે આ ઉંડા ખાડામાં પડી જતાં તેઓનો મોત નીપજ્યું હતું.

વિગત મુજબ તાલાલામાં બસ સ્ટેશન પાસે કર્મજ્યોત સોસાયટીમાં રહેતાં જગદીશભાઇ મનસુખભાઇ ચાવડા (ઉ.વ.35) નામના યુવાનને પેટમાં સોજા ચડી જવાની બિમારી હોઇ ત્રણ દિવસ પહેલા તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બતાવવા આવતાં ટ્રોમા કેર સેન્ટરમાં આવેલા વોર્ડ નં.11 માં દાખલ કરાયા હતાં. જગદીશભાઇ સાથે તેમના પત્નિ રેખાબેન હોસ્પિટલમાં રોકાયા હતાં. જગદીશભાઇના ભાઇ સંજયભાઇ ચાવડા રાજકોટ રહેતાં હોઇ તે સવારે ઘરે ગયા હતાં.
દરમિયાન સવારે સાડા છએક વાગ્યે જગદીશભાઇ પોતાના બેડ પરથી નીચે લટાર મારીને આવે છે તેમ પત્નિને કહીને નીકળ્યા હતાં. ઘણો સમય વીતી ગયા છતાં પતિ પરત ન આવતાં પત્નિએ પોતાના જેઠને જાણ કરી હતી અને પોતે શોધવા નીકળ્યા હતાં. એ દરમિયાન ખબર પડી હતી કે ટ્રોમા વોર્ડની નજીક જ ડાબી બાજુ મુખ્ય પ્રવેશ દ્વારનું કામ ચાલુ હોઇ તે તરફ બનાવાયેલા ખાડામાં કોઇ વ્યક્તિ પડી જતાં ઇજા થતાં ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરાયેલ છે. આથી તેઓ તપાસ કરવા જતાં આ વ્યક્તિ પોતાના સ્વજન જગદીશભાઇ હોવાની ખબર પડી હતી. જો કે માથામાં હેમરેજ થઇ જવાથી તેનું મૃત્યુ થયું હતું.
આ મામલે મૃતકના સગાએ કહ્યું હતું કે જે ખાડમાં જગદીશભાઇ પડી ગયા ત્યાં કોઇ આડશ નહોતી કે ચેતવણીનું બોર્ડ નહોતું. ખાડાની પાછળના ભાગે કમ્પાઉન્ડ વોલના માંથી ચા-ફાકી-પાનનું વેંચાણ થતું હોઇ એ તરફ જતી વખતે અંધારાને કારણે ખાડો ન દેખાતાં તે ગબડી પડયા હતા. જ્યારે આ મામલે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે,મૃતક દરજી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને અકે પુત્રી છે.હાલ જો આ મામલે કોઈની બેદરકારી ખુલશે તો ગુનો નોંધવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.
બોક્ષ ફોટો છે.
હેડિંગ : એકનું મોત થયું પછી તંત્રએ બેરીકેડ લગાડી સિક્યુરિટી ગાર્ડ બેસાડ્યા
સિવિલ અધિક્ષક ડો. મોનાલીબેન માંકડિયાનાં જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં નવો ગેઇટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેનાં માટે બનાવવામાં આવેલા ખાડામાં પડતા એક દર્દીનું મોત થવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ મામલે કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે. જેને લઈ આ અંગે તપાસ કરવામાં આવશે. આ માટે તપાસ કમિટી બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. જેના દ્વારા સીસીટીવી સહિતનાં મધ્યમોથી તપાસ કરવામાં આવશે. જેમાં કોન્ટ્રાક્ટરે બેરીકેડ નહીં લગાવ્યા હોવાનું સામે આવશે તો તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.જોકે પરિવારે આક્ષેપ કર્યો હતો કે,ઘટના બન્યા બાદ બેરીકેડ લગાડી સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા હતા.ત્યારે સાચી હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.