ટેરિફના પ્રહારથી દુનિયા સામે કેવા સંકટની થઈ છે આગાહી ? જુઓ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના પગલાંએ લગભગ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પના આ નિર્ણયનો જવાબ આપતા, ઘણા દેશોએ હવે અમેરિકા સાથે વેપાર યુદ્ધની ધમકી પણ આપી છે. આ બધાની વચ્ચે નિષ્ણાતોએ કહ્યું છે કે દુનિયાભરમાં મંદી છવાઈ જવાનો ભય દેખાય છે. સાથે મોંઘવારી પણ વધુ મોઢું ફાડી શકે છે.
દરમિયાનમાં જેપી મોર્ગનના નિષ્ણાતો દ્વારા એવી આગાહી કરાઇ છે કે ચાલુ વર્ષના અંતિમ ભાગ સુધી અમેરિકામાં મંદી ઘેરી વળશે અને જનતાની હાલત ખરાબ થઈ જશે તેમંજ બિઝનેસ સર્કલ પણ ઘેરી તકલીફમાં આવી જવાનો ખતરો છે .
ટેરિફની જાહેરાત બાદ ગુરુવારે વિશ્વભરના શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. અનેક દેશોએ આ નિર્ણયની નિંદા કરતા કહ્યું કે વેપાર ઉદારીકરણનો દાયકાઓ જૂનો યુગ હવે સમાપ્ત થઈ ગયો છે.
વધતી જતી સમસ્યાઓ
હાલમાં, કંપનીઓ પરિસ્થિતિનો સામનો કરવાના પ્રયાસમાં વ્યસ્ત છે. ઓટો ઉત્પાદક સ્ટેલાન્ટિસે કહ્યું કે તે યુએસ કામદારોને કામચલાઉ ધોરણે છટણી કરશે અને કેનેડા અને મેક્સિકોમાં પ્લાન્ટ બંધ કરશે, જ્યારે જનરલ મોટર્સે કહ્યું કે તે યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉત્પાદન વધારશે.
અનેક દેશ બદલો લેવાની તૈયારીમાં
ટ્રમ્પના આ પગલાનો જવાબ આપવા માટે ઘણા દેશોએ તૈયારીઓ કરી લીધી છે. અમેરિકાએ ચીન પર ૫૪ ટકા અને યુરોપિયન યુનિયન પર ૨૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને યુરોપિયન દેશોને અમેરિકામાં રોકાણ બંધ કરવા વિનંતી કરી છે.