વરણામાનો ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર મધ્ય ગુજરાતનો ‘લોજિસ્ટિક્સ ગેમ-ચેન્જર
29 અને 30 જૂને વડોદરા ખાતે યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પહેલા મધ્ય ગુજરાત માટે સારા સમાચાર. વડોદરાના વરણામા ખાતેથી પસાર થતો ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર હવે ગુજરાતની ઔદ્યોગિક કાયાપલટનું મુખ્ય ચાલકબળ બની ગયો છે. ‘લોજિસ્ટિક્સ પાવરહાઉસ’ ગુજરાતની આ પરિવહન ક્રાંતિને કારણે મહેસાણાનું દૂધ હવે 17 કલાકને બદલે માત્ર 7 કલાકમાં દિલ્હી પહોંચે છે. હજારો લીટર ડિઝલ અને કાર્બન ઉત્સર્જનની બચત સાથે માલસામાનનો ખર્ચ પણ ઘટ્યો છે.
વરણામાનો DFC: ગોલ્ડન ક્વાડ્રિલેટરલનો બોજ હળવો કરશે
વડોદરા જિલ્લાના 30 ગામોમાંથી પસાર થતો વરણામા ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર દેશના માલપરિવહન માટે ક્રાંતિ બની રહ્યો છે. ભારતીય રેલવેના ગોલ્ડન ક્વાડ્રિલેટરલ રૂટ પર દેશના કુલ ટ્રેકના માત્ર 16% હિસ્સા પર 58% ગુડ્સ ટ્રાફિકનું ભારણ હતું. આ રૂટ 150% સંતૃપ્તિ પર ચાલતો હતો. DFCને કારણે હવે માલગાડીઓને અલગ ટ્રેક મળતા જૂના ટ્રેક પરથી ભાર હટશે. પરિણામે પેસેન્જર ટ્રેનોની સંખ્યા વધશે અને તેમની ઝડપ પણ વધશે.
આ પણ વાંચો: ભગતસિંહ ગાર્ડનના જર્જરિત ક્વાર્ટર મુદ્દે RMC vs સ્થાનિકો, મેયરે આપી દિવાળી સુધી રાહત
સ્પીડ અને ક્ષમતા બમણી
ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા DFCCILના અધિકારીઓના જણાવ્યા મુજબ, જૂના ટ્રેક પર 25-26 કિમી/કલાકની ઝડપે દોડતી માલગાડી હવે DFC પર 70 કિમી/કલાકની ઝડપે દોડે છે. DFCCILનો લક્ષ્યાંક આ ઝડપને 100 કિમી/કલાક સુધી લઈ જવાનો છે. હાલ વડોદરા-મુંબઈ રૂટ પર રોજ 50-70 ગુડ્ઝ ટ્રેન દોડે છે, જે આગામી 2-3 મહિનામાં વધીને 110-140 થશે. આનાથી રેલવેની વહન ક્ષમતા બમણી થશે. પશ્ચિમ DFC હેઠળ વડોદરાથી JN પોર્ટ સુધી માલગાડીઓ પેસેન્જર ટ્રેનની જેમ ટાઈમ ટેબલ મુજબ દોડશે. તેના માટે ટ્રેન મેનેજમેન્ટ સિસ્ટમ જેવી અત્યાધુનિક ટેકનોલોજી કાર્યરત છે.
દૂધથી ડિઝલ સુધીનો ફાયદો
આ ક્રાંતિનો સૌથી મોટો ફાયદો ખેડૂતો અને ઉદ્યોગોને થયો છે. મહેસાણાની દૂધ સાગર ડેરીથી દિલ્હી સુધી દૂધના ટેન્કરને પહોંચતા પહેલા 17 કલાક લાગતા હતા, જે હવે માત્ર 7 કલાકમાં થાય છે. 60% સમય બચતા ઈંધણ અને માલપરિવહન ખર્ચમાં મોટો ઘટાડો થયો છે. આર્થિક રીતે જોવા જઈએ તો હવાઈ પરિવહનનો ખર્ચ પ્રતિ ટન-કિમી 40 રૂપિયાથી વધુ અને રોડ ટ્રાન્સપોર્ટ 25-30 રૂપિયા છે, જ્યારે DFC રેલવેનો ખર્ચ 10 રૂપિયાથી પણ ઓછો છે. આનાથી જીવનજરૂરી વસ્તુઓના ભાવ પ્રતિ ટન 6-10 રૂપિયા સુધી ઘટશે.
પર્યાવરણ અને નિકાસને લાભ
DFC માત્ર આર્થિક જ નહીં, પર્યાવરણને પણ ફાયદો કરાવશે. એક માલગાડી 400 ટ્રકો જેટલો માલ લઈ જાય છે. પ્રોજેક્ટ પૂર્ણ થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ભારે ટ્રકોનો ટ્રાફિક 40% ઘટશે, જેનાથી કાર્બન ઉત્સર્જનમાં મોટી બચત થશે. મુન્દ્રા, પીપાવ અને કંડલા પોર્ટની કનેક્ટિવિટીને કારણે ગુજરાતના નિકાસકારો માટે આ કોરિડોર આશીર્વાદરૂપ બન્યો છે. વડોદરા ખાતે ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બનાવવાનું આયોજન પણ થઈ રહ્યું છે.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં જ્યારે નવા રોકાણો આકર્ષવામાં આવશે, ત્યારે વરણામાનો ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર મધ્ય ગુજરાતને વૈશ્વિક વેપારના નકશા પર મજબૂતીથી સ્થાપિત કરશે. ‘લોજિસ્ટિક્સ પાવરહાઉસ’ તરીકે ગુજરાતની ઓળખ હવે વધુ મજબૂત બનશે.
