ભગતસિંહ ગાર્ડનના જર્જરિત ક્વાર્ટર મુદ્દે RMC vs સ્થાનિકો, મેયરે આપી દિવાળી સુધી રાહત
રાજકોટના ભગતસિંહ ગાર્ડન નજીક હાઉસિંગના 500થી વધુ જર્જરિત ક્વાર્ટરોને ખાલી કરવાની RMCની નોટીસે હવે રાજકીય અને સામાજિક રંગ પકડ્યો છે. મનપાએ નળ અને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરતા જ સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા. એક વૃદ્ધે તો નળ કનેક્શન કાપવાના ખાડામાં જ સૂઈને અનોખો વિરોધ નોંધાવ્યો. વિરોધની આગ રાજકોટ મનપા કચેરી સુધી પહોંચી અને આખરે મેયર નેહલ શુક્લાએ દિવાળી સુધી મોટી રાહત જાહેર કરી.
500+ ક્વાર્ટરને નોટીસ, RMCની ડિમોલેશનની તૈયારી
ભગતસિંહ ગાર્ડન નજીક આવેલા હાઉસિંગના જર્જરિત ક્વાર્ટરોને રાજકોટ મનપાએ જોખમી જાહેર કરીને ખાલી કરવાની નોટીસ પાઠવી છે. આ ક્વાર્ટરોની સંખ્યા 500થી વધુ છે. સલામતીના કારણોસર મનપાએ તાત્કાલિક નળ અને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરી હતી. મનપાનું કહેવું છે કે આ ક્વાર્ટરોની સ્થિતિ જર્જરિત હોવાથી કોઈપણ સમયે દુર્ઘટના સર્જાઈ શકે છે, ખાસ કરીને ચોમાસામાં જોખમ વધી જાય છે.
આ પણ વાંચો: નર્મદા ડેમની જળસપાટી વધી 126.79 મીટરે પહોંચી
ખાડામાં સૂઈને અનોખો વિરોધ
RMC દ્વારા નળ કનેક્શન કાપવામાં આવતા જ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો. લોકોનું ટોળું એકત્ર થઈ ગયું અને મનપા તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા. વિરોધની પરાકાષ્ઠા ત્યારે જોવા મળી જ્યારે એક વૃદ્ધ સ્થાનિક નળ કનેક્શન કાપવા માટે ખોદવામાં આવેલા ખાડામાં જ સૂઈ ગયા. સ્થાનિકોનો આક્ષેપ છે કે ચોમાસાની વચ્ચે ડિમોલેશનની કાર્યવાહીથી અનેક પરિવારો બેઘર બની જશે. તેમણે તંત્ર પાસે વૈકલ્પિક વ્યવસ્થા અને માનવતાભર્યો અભિગમ અપનાવવાની માંગ કરી.
મેયરે દિવાળી સુધી આપી રાહત
વિરોધ વધતા સ્થાનિકોનું ટોળું રજૂઆત માટે RMC કચેરી ખાતે પહોંચ્યું અને મેયર નેહલ શુક્લાને રૂબરૂ રજૂઆત કરી. સ્થાનિકોની લાગણી ધ્યાને લઈને મેયરે મોટી જાહેરાત કરી. મેયરે કહ્યું કે “નળ કનેક્શન કોઈનું કાપ્યું હશે તે કાલથી કાર્યરત થઈ જશે” અને લોકોને દિવાળી સુધી રાહત આપવામાં આવી છે.
શરતો શું રહેશે?
મેયરે સ્પષ્ટતા કરી કે રાહત મેળવવા માટે ક્વાર્ટરના રહેવાસીઓએ એફિડેવિટ આપવી પડશે. જેમાં તેઓ જણાવશે કે જર્જરિત મકાનમાં રિનોવેશન કરીને તેઓ પોતે જ રહી રહ્યા છે. આ સમય દરમિયાન જો કોઈ દુર્ઘટના થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિકોની પોતાની રહેશે. મનપા હવે આ એફિડેવિટ આધારે આગળની કાર્યવાહી નક્કી કરશે.
ભગતસિંહ ગાર્ડનના આ મુદ્દાએ સલામતી વિરુદ્ધ વસવાટના અધિકારનો સવાલ ઉભો કર્યો છે. મેયરની દિવાળી સુધીની રાહત બાદ હાલ તણાવ ઓછો થયો છે, પણ ક્વાર્ટરોના ભવિષ્ય અંગે હજુ નિર્ણય બાકી છે.
