નિગમ દ્વારા સંચાલિત ૧૬ વિભાગના ૧૨૫ ડેપો ખાતે ૧૦,૫૦૦ નવા ETM મશીનો ફાળવાયા
QR કોડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા છેલ્લા એક વર્ષમાં GSRTCની બસોમાં અંદાજે કુલ ૧.૦૩ કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા
GSRTC દ્વારા હવે ૧૦૦ કિલોમીટરથી વધુ અંતર કાપતી અંદાજે ૨,૫૦૦ જેટલી લોકલ ટ્રિપ્સમાં પણ ઓનલાઈન રિઝર્વેશન કરી શકાશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે ‘ડિજિટલ ઈન્ડિયા’ અને ‘ડિજિટલ ગુજરાત’ના સંકલ્પને સાકાર કરતા મુસાફર સુવિધા, પારદર્શિતા અને ગુણવત્તાયુક્ત પરિવહનના ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં નિગમે આધુનિક ટેકનોલોજી અપનાવીને મુસાફરોની સફરને વધુ સુગમ, અને સરળ બનાવી છે. જે અંતર્ગત નિગમની બસોમાં ETM QR કોડ સિસ્ટમ અમલી બનાવાઈ છે. આ સિસ્ટમ દ્વારા એપ્રિલ ૨૦૨૫થી મે ૨૦૨૬ સુધીમાં બસોમાં કુલ ૧.૦૩ કરોડથી વધુ વધુ QR ટ્રાન્ઝેક્શન નોંધાયા છે જેના દ્વારા નિગમને રૂ. ૧૧૨.૪૫ કરોડથી વધુની આવક થઈ છે.
રાજ્યના મુસાફરોને કેશલેસ મુસાફરીનો ઉત્કૃષ્ટ અનુભવ પૂરો પાડવા માટે ETM QR કોડ સિસ્ટમના અમલમાં મૂકવામાં આવી છે. બસોમાં એપ્રિલ ૨૦૨૫માં જ્યાં ૪.૬૦ લાખ QR ટ્રાન્ઝેક્શન થતા હતા તેમાં ચાર ગણો વધારો થતા મે ૨૦૨૬માં ૧૭.૩૪ લાખથી વધુના ટ્રાન્ઝેક્શન નોંધાયા છે. આ સંદર્ભે નિગમને દર મહિને રૂ. ૧૯.૩૭ કરોડની આવક થઈ રહી છે.
નિગમના પી.આર.ઓ. શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું કે, નિગમ દ્વારા સંચાલિત ૧૬ વિભાગના ૧૨૫ ડેપો ખાતે ૧૦,૫૦૦ નવા ઈ-બીટીએમ-મશીનો ફાળવવામાં આવ્યા છે. અગાઉ પ્રીમિયમ બસોમાં ક્યુઆર કોડ (QR Code) ટ્રાન્ઝેક્શન દ્વારા ટિકિટ બુકિંગમાં મળેલા પ્રતિસાદને જોતા હવે નિગમ હસ્તકની તમામ સર્વિસો અને તમામ ડેપો ખાતે આ સુવિધાનો અમલ કરવામાં આવ્યો છે. મુસાફરી દરમિયાન મુસાફરોને છૂટા પૈસા બાબતે થતી તકલીફોનું આ ક્યુઆર કોડ ટ્રાન્ઝેક્શન પેમેન્ટથી કાયમી નિવારણ આવશે. આ સાથે મુસાફરલક્ષી સુવિધાઓમાં પણ વધારો થશે.
આ પણ વાંચો: વરણામાનો ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર મધ્ય ગુજરાતનો ‘લોજિસ્ટિક્સ ગેમ-ચેન્જર
ટેકનોલોજીના આ યુગમાં મુસાફરોને બસ સ્ટેન્ડ સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ આપવા માટે ઓનલાઈન એડવાન્સ બુકિંગ સુવિધાને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ મહિના દરમિયાન નિગમની પ્રીમિયમ અને નોન-પ્રીમિયમ મળીને કુલ ૩૯,૩૭૨ ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું.
મુસાફરોની સુવિધામાં વધારો કરતાં GSRTC દ્વારા હવે ૧૦૦ કિલોમીટરથી વધુ અંતર કાપતી અંદાજે ૨,૫૦૦ જેટલી લોકલ ટ્રિપ્સને પણ હવે ઓનલાઈન રિઝર્વેશન પ્લેટફોર્મ સાથે જોડવામાં આવી છે. આ નિર્ણયના કારણે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના મુસાફરો પણ હવે ઘરે બેઠા જ પોતાની લોકલ બસની ટિકિટ એડવાન્સમાં બુક કરાવી શકશે. રોકડા નાણાંની હેરફેર ઘટતા વહીવટમાં સો ટકા પારદર્શિતા આવી છે અને કંડક્ટરોનો સમય અને મહેનત પણ બચે છે.
નિગમની પ્રીમિયમ એસી સેવાઓમાં મે ૨૦૨૬ દરમિયાન વેકેશનના માહોલમાં બુકિંગનો દર ૭૮.૮૫ ટકા નોંધાયો હતો. આ ઉપરાંત વોલ્વો બસોમાં પણ એપ્રિલ અને મે મહિનામાં અનુક્રમે ૫૦ ટકા અને ૫૭.૮૧ ટકા બુકિંગ તથા નોન-પ્રીમિયમ સ્લીપર બસમાં છ મહિના દરમિયાન સરેરાશ ૭૭.૫૩ ટકાના બુકિંગ રેટ સાથે મુસાફરોની પ્રથમ પસંદગી બની છે.
