વલસાડ, નવસારી, ચેરાપુંજી બન્યા, કપરાડા અને ઉમઠગાંવમાં ૧૦૦ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો: રાજ્યના ૨૬ તાલુકામાં ૫૦ ઇંચથી વધુ વરસાદ
`બહુ મથે માનવી તો વીઘો, બે વીઘા માંડ પવાય, જે દિ’ રઘુવીર રીઝે રાજડા તે દિ’ નવખંડ લીલો થાય…’ આજના ચોમાસાની ઋતુ માટે આ પંક્તિ એકદમ બંધ બેસતી છે. એક મહિના પહેલાં ગુજરાતીઓ મેઘરાજાની ચાતક પક્ષીની માફક રાહ જોઈ રહ્યા હતા. અલનીનોની અસરના કારણે ઓણ સાલ ચોમાસુ નબળુ જશે તેવી આગાહી કરવામાં આવી રહી હતી પરંતુ કુદરત કોપાયમાન થતાં સૌરાષ્ટ્ર-ગુજરાતને ઘડીના છઠ્ઠા ભાગમાં તરબતર કરી દેતા હવે લીલા દુકાળ થશે તેવી બુમરાણ ઉઠી રહી છે. છેલ્લા એક દાયકામાં ગુજરાત સહિત પશ્ચિમ ભારત ચેરાપુંજી બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં હવે તો ચેરાપુંજી કરતા પણ વધુ વરસાદ પડે છે.
એક જમાનો હતો કે ભારતના પૂર્વીય રાજ્ય મેઘાલયના ચેરાપુંજીમાં ૩૫૦ ઇંચથી વધુ વરસાદ પડતો હતો પરંતુ છેલ્લા બે દાયકાથી જાણે વરસાદની આખી પેટર્ન જ ફરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
વરસાદી માહોલ જોતા હવે ચેરાપુંજીમાં સિઝનનો ૧૫૦ ઇંચ જેવો વરસાદ નોંધાય છે તેના બદલે હવે મહારાષ્ટ્રના મહાબળેશ્વરમાં ૩૩૦થી ૩૫૦ ઇંચ જેટલો વરસાદ દર વર્ષે પડી રહ્યો છે.
એટલું જ નહીં ગુજરાતમાં દર વર્ષે સિઝનનો સરેરાશ ૪૦ ઇંચ વરસાદ પડતો હતો જે રવિ પાક અને શિયાળુ પાક માટે માંગ્યા મેહ વરસે તે રીતે એકદમ માપસરનો વરસાદ પડતો હતો.
પરંતુ છેલ્લા એક દાયકાથી ગુજરાતના વરસાદની પણ આખી પેટર્ન બદલાઈ ગઈ છે. જ્યારે જ્યાં વરસાદ પડે છે ત્યાં મેઘરાજા ભૂક્કા કાઢી નાખે છે.
આ વર્ષે અલનીનોની અસરના કારણે ચામાસુ નબળું રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી. આખો જૂન મહિનો પુરો થઈ ગયો ત્યાં સુધી ગુજરાતમાં વરસાદના કોઈ એંધાણ જોવા મળ્યા નહોતા પરંતુ જુલાઈ માસના પ્રારંભથી જ મેઘરાજાએ ગુજરાતમાં તાંડવ મચાવવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો: એક સપ્તાહ સુધી પડેલા ભારે વરસાદના કારણે ૨૧ ડેમ હાઇએલર્ટ
એક મહિનામાં હજુ પાંચ દિવસ બાકી છે ત્યારે ૨૫ દિવસમાં જ ગુજરાતીઓને મેઘરાજાએ તોબા કરાવી દીધા છે. એટલું જ નહીં હવે તો લીલા દુકાળની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી મેઘરાજા સાંબેલાધાર વરસી રહ્યા છે ત્યારે રાજ્યના ૬૯ તાલુકા એવા છે કે જ્યાં સિઝનનો સરેરાશ ૪૦ ઇંચ કરતા વધુ વરસાદ છેલ્લા ૨૦ દિવસમાં પડી ગયો છે.
જેમાં વલસાડ જિલ્લાના બે તાલુકા કપરાડામાં ૧૦૭.૦૮ ઇંચ અને ઉમરગાંવમાં ૧૦૧.૫૬ ઇંચ વરસાદ અત્યાર સુધીમાં પડી ગયો છે.
જ્યારે ૨૬ તાલુકા એવા છે કે જ્યાં ૫૦ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જેમાં વઘઈ, સુબીર, ડાંગ, વાપી, વલસાડ, ઉમરગાંવ, પાટડી, તાનાપીંડા, કપરાડા, ધરમપુર, વાસદ, નવસારી, ખેરગામ, જબલપોર, ગણદેવી, ચીખલી, ઉમરપાડા, સુરત, પલસાણા, મહુવા, કામરેજ, બારડોલી, અંબિકા, ડોલવાણ, વ્યારા, વાલોડનો સમાવેશ થાય છે.
દ્વારકા-પોરબંદર હજુ કોરાધાકોડ
ચોમાસુ શરૂ થયાને બે મહિના પુરા થવા આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે ત્યારે આ વખતે મેઘરાજાએ દ્વારકા, પોરબંદર તરફ નજર જ ન કરી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશ ૧૫.૮૮ ટકા અને ૪.૧૯ ટકા સિઝનનો વરસાદ નોંધાયો છે.
અમદાવાદ, ખેડા, સાણંદમાં ચાર દિ‘માં ૭ ઇંચથી ૩૭ ઇંચ
મધ્ય ગુજરાતમાં એક સપ્તાહ પહેલાં વરસાદની લોકો રાહ જોઈ રહ્યા હતા. દક્ષિણ ગુજરાતથી ત્રણ દિવસ પહેલાં ચોમાસુ આગળ વધીને મધ્ય ગુજરાત પર બે દિવસ સુધી મુકામ કર્યો હતો અને બે દિવસમાં જ અમદાવાદ, ખેડા અને સાણંદ જિલ્લામાં ૭ ઇંચથી લઈને ૩૭ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જેમાં સૌથી ઓછો ઠાસરામાં ૭ ઇંચ વરસાદ અને સૌથી વધુ નડીયાદમાં ૩૭ ઇંચ વરસાદ નોંધાયો છે.
| શહેર | મીમી |
| અમદાવાદ | ૪૬૩ મીમી |
| બાવળા | ૪૧૬ મીમી |
| દસકોઈ | ૪૧૦ મીમી |
| દેત્રોજ | ૩૬૬ મીમી |
| ધંધુકા | ૬૦૫ મીમી |
| ધોલેરા | ૨૨૧ મીમી |
| ધોળકા | ૬૨૪ મીમી |
| માંડલ | ૪૬૯ મીમી |
| સાણંદ | ૩૪૮ મીમી |
| વિરમગામ | ૫૮૦ મીમી |
૫૦૦ મી.મી.થી વધુ વરસાદ
| નામ | મીમી |
| અંકલેશ્વર | ૫૫૫ મીમી |
| હાંસોટ | ૫૮૩ મીમી |
| નેત્રંગ | ૭૯૯ મીમી |
| ચીક્કા | ૫૭૭ મીમી |
| દેડીયાપાડા | ૫૯૯ મીમી |
| સાંગબારા | ૬૭૦ મીમી |
| સોનગઢ | ૯૬૦ મીમી |
| વાલોદ | ૧૫૨૪ મીમી |
| વ્યારા | ૧૩૪૬ મીમી |
| ડોલવાળ | ૧૮૦૮ મીમી |
| ઉકાઈ | ૯૦૪ મીમી |
| અંબિકા | ૧૮૫૪ મીમી |
| અરેઠ | ૬૩૦ મીમી |
| બારડોલી | ૧૪૦૯ મીમી |
| ચોર્યાસી | ૬૯૯ મીમી |
| કામરેજ | ૧૫૪૬ મીમી |
| મહુવા | ૧૩૯૪ મીમી |
| માંડવી | ૬૭૭ મીમી |
| માંગરોળ | ૭૯૫ મીમી |
| ઓલપાડ | ૯૨૧ મીમી |
| પલસાણા | ૧૭૯૬ મીમી |
| સુરત સિટી | ૧૩૫૯ મીમી |
| ઉમરપાડા | ૧૬૩૬ મીમી |
| ચીખલી | ૨૧૭૧ મીમી |
| ગણદેવી | ૧૭૧૭ મીમી |
| જબલપોર | ૧૪૮૮ મીમી |
| ખેરગામ | ૨૧૭૬ મીમી |
| નવસારી | ૧૬૧૮ મીમી |
| વાંસદ | ૧૮૧૭ મીમી |
| ધરમપુર | ૧૭૭૩ મીમી |
| કપરાડા | ૨૬૭૬ મીમી |
| નાનાપોંડા | ૨૧૮૮ મીમી |
| પાટડી | ૨૧૯૪ મીમી |
| ઉમરગાંવ | ૨૫૩૯ મીમી |
| વલસાડ | ૨૦૮૮ મીમી |
| વાપી | ૧૮૯૯ મીમી |
| ડાંગ | ૧૫૮૭ મીમી |
| સુબીર | ૧૪૦૭ મીમી |
| વઘઈ | ૧૯૦૮ મીમી |
