એક સપ્તાહ સુધી પડેલા ભારે વરસાદના કારણે ૨૧ ડેમ હાઇએલર્ટ
ગુજરાતમાં એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય થવાના કારણે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી સમગ્ર રાજ્યને એક સપ્તાહ સુધી ઘમરોળી નાખ્યા બાદ હવે મેઘરાજાએ પોરો ખાધો હોય તેવું લાગી રહ્યું છે. આજે રાજ્યના ૭૬ તાલુકામાં સામાન્ય ઝાપટાથી લઈને ૨.૯૧ ઇંચ વરસાદ જોવા મળ્યો છે.
રાજ્યમાં ગત સોમવારથી મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને તબક્કાવાર ધમરોળી નાખ્યા હતા. સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી અને જનજીવન ખોરવાઈ ગયું હતું.
એક સપ્તાહ સુધી મેઘતાંડવ કર્યા બાદ હવે મેઘરાજાએ પોરો ખાધો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ કપરાડામાં ૫.૫૧ ઇંચ, ઓગઠમાં ૩.૮૬ ઇંચ, ખેરગામમાં ૩.૩૯ ઇંચ, નડિયાદમાં ૩.૩૧ ઇંચ અને નાનાપોંડામાં ૩.૧૧ ઇંચ વરસાદ જોવા મળ્યો હતો.
જ્યારે આજે સવારે ૬ વાગ્યાથી સાંજ સુધીમાં રાજ્યના ૭૬ તાલુકામાં હળવા ઝાપટાથી લઈને ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ કપરાડામાં ૨.૯૧ ઇંચ, અમીરગઢમાં ૧.૬૫ ઇંચ, નાનાપોંડામાં ૧.૪૬ ઇંચ, લાખાણીમાં ૧.૩૮ ઇંચ અને ડાંગમાં ૧.૧૮ ઇંચ વરસાદ નોંધાયો છે.
એક સપ્તાહ સુધી પડેલા ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બનતા રાજ્યના ૨૦૬ જળાશયોમાં પાણીની પુષ્કળ આવક જોવા મળી છે જેમાં આજે ૨૧ ડેમ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે અને ૫ ડેમ એલર્ટ પર જોવા મળ્યા છે.
વધુ એક લોપ્રેશર સર્જાતા ૩૦ જુલાઇથી વરસાદની આગાહી
ગુજરાત રાજ્યને એકસાથે ચાર-ચાર સિસ્ટમે ધમરોળી નાખ્યા બાદ મેઘરાજાએ હવે ખમૈયા કર્યા છે ત્યારે બંગાળની ખાડીમાં વધુ એક લોપ્રેશર જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતમાં આગામી ૩૦ જુલાઈથી ફરી વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવતા સપ્તાહે ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને તેની સાથે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદ ત્રાટકશે.
ધોળકામાં પૂરના પાણી ઓસરતા બે મૃતદેહ મળ્યા
અમદાવાદ જિલ્લાના ધોળકામાં બે દિવસ પહેલાં બારેમેઘ ખાંગા થતાં ૨૪ કલાકમાં ૨૫ ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. બે દિવસથી મેઘરાજાએ વિરામ લેતા હવે પૂરમાં પાણી ઓસરી રહ્યા છે ત્યારે આજે જુદા જુદા બે સ્થળેથી બે યુવાનના તણાયેલા મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહનો કબજો મેળવી ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
