ગુજરાતમાં તા.26 થી 28 જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ : CM ભૂપેન્દ્ર પટેલ તેમજ મંત્રીઓ થશે સહભાગી
રાજ્યમાં શાળા પ્રવેશપાત્ર બાળકોનું 100 ટકા નામાંકન અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાની ગુજરાતની અભિનવ પહેલ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની 23મી કડી તા. 26 થી 28 જૂન 2025 દરમિયાન યોજાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ ત્રિ-દિવસીય રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થનારા મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ અને સનદી અધિકારીઓ સહિત વર્ગ-1ના ૪૦૦ જેટલા ઉચ્ચ અધિકારીઓ માટે ગાંધીનગરમાં યોજાયેલી માર્ગદર્શક બેઠકમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપી હોવાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, પ્રવેશોત્સવના 22 વર્ષમાં રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ સુધારા સહિત ઘણું જ સારું કામ થયું છે. તેને વધુ વેગવાન બનાવીને ટીમવર્કથી કાર્યરત રહીએ અને અગાઉના પ્રવેશોત્સવના અનુભવો-ફીડબેકના આધારે સૌ સાથે મળીને વધુ પરિણામદાયી કાર્ય કરીએ. “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ’ની થીમ સાથે રાજ્યભરની 1529 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 5134 ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક -ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા 31824 સરકારી પ્રાથમિક શાળાઓમાં યોજાવાનો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ શાળા પ્રવેશોત્સવ અન્વયે બાલવાટિકામાં પ્રવેશપાત્રતા ધરાવતા 8.૭૫ લાખ, 8મા ધોરણમાંથી 9મા ધોરણમાં પ્રવેશની પાત્રતા વાળા 10.50 લાખ અને ધોરણ 10 થી 11માં પ્રવેશ માટે પાત્રતા યોગ્ય 6.50 લાખ મળીને સમગ્રતયા 25.75 લાખ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવવાનું આયોજન શિક્ષણ વિભાગે કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી શાળાઓમાં વધુને વધુ બાળકો પ્રવેશ મેળવે તેવું વાતાવરણ ઊભું કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ કન્યાઓ ધોરણ 9 થી 12નું શિક્ષણ મેળવે તે માટે નમો લક્ષ્મી અને બાળકોમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય તે માટે નમો સરસ્વતી યોજનાના લાભોથી પ્રવેશોત્સવ દરમિયાન એસએમસીના સભ્યો અને બાળકોને માહિતગાર કરવાની પણ તેમણે તાકીદ કરી હતી.
આ પણ વાંચો : આજે ગ્રામ પંચાયતોનું ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ : સરપંચ બનવા માટે 249 ઉમેદવારો મેદાને
શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે આ પ્રસંગે કહ્યું કે, રાજ્ય સરકારે આ વર્ષના પ્રવેશોત્સવમાં ધોરણ 8માંથી 9માં અને 10માંથી 11માં ધોરણના પ્રવેશ પર પણ ફોકસ કર્યું છે અને એઆઈ આધારિત ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા સંભવિત ડ્રોપ આઉટની યાદી બનાવીને આવા વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.તેમણે ઉમેર્યું કે, આપણે પરીક્ષા નહીં સમીક્ષા અને પ્રેઝન્ટેશન નહીં પરફોર્મન્સનો અભિગમ અપનાવીને માધ્યમિક શિક્ષણને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે.મુખ્ય સચિવ પંકજ જોષી એ કહ્યું કે, શાળા પ્રવેશોત્સવનો આ કાર્યક્રમ શિક્ષણ વિભાગ પૂરતો જ મર્યાદિત ન રહેતા બધા જ વિભાગોને જોડતો મિશન મોડનો ઉત્સવ બની ગયો છે.