- વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ : ભાજપ માટે ત્રણ અને કોંગ્રેસ માટે બે દિવસનુ
- ગૃહમાં હોબાળો થયા બાદ એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા
- આજે છેલ્લા દિવસે ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાંની જોગવાઈનો ખરડો આવશે
ગાંધીનગર
ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસુ સત્ર આજે શુક્રવારે પૂરું થઇ રહ્યુ છે. ગુરુવારે સત્રના બીજા દિવસે ટૂંકી મુદતનાં પ્રશ્નો દાખલ કરવાની માંગણી સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યા બાદ અધ્યક્ષે તમામને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. ત્રણ દિવસના સત્રમાંથી કોંગ્રેસના સભ્યો એક દિવસ સસ્પેન્ડ થઇ ગયા છે અને હવે શુક્રવારે સત્રનો છેલ્લો દિવસ છે તેથી વિપક્ષ કાંઇ ઉકાળી શક્યો નથી. વિપક્ષે રાજકોટના અગ્નિકાંડ, ડ્રગ્સની હેરાફેરી, દુષ્કર્મની ઘટનાઓ જેવા મુદ્દા ઉપસ્થિત કરીને ચર્ચા માગી હતી પરંતુ સ્પીકરે તે ગ્રાહ્ય રાખી ન હતી.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અગ્નીકાંડ, દાહોદમાં નકલી કચેરી, ડ્રગ્સ, દુષ્કર્મ જેવા વિષય પર તાકીદ ચર્ચા થવી જોઈએ.અમિત ચાવડાએ ટૂંકી મૂદતના પ્રશ્ન બાબતે કહ્યું હતું કે, આજે બે જ પ્રશ્ન દાખલ થયા છે . કોંગ્રેસના એક પણ પ્રશ્ન દાખલ કરવામાં આવ્યો નથી. અધક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે, ટૂંકી મૂદતના પ્રશ્ન જવાબ મંત્રીની સહમતીથી દાખલ કરવામાં આવે છે.
કોંગ્રેસનો વિરોધ હતો કે આજના કામકાજમાં એક પણ સભ્યનો પ્રશ્ન દાખલ કરવામાં આવ્યો નથી. કોંગ્રેસના ધારાસભ્ય ગૃહમાં પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કરી હતો. ત્યાર બાદ સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે અધ્યક્ષ સામે આજની કાર્યવાહીથી કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી હતી. અંતે વિરોધ કરવા બદલ કોંગ્રેસના તમામ ધારાસભ્યને આજની કામગીરીથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, પ્રશ્નોત્તરી શરૂ થાય અને પૂર્ણ થયા બાદ જ પોઇન્ટ ઓફ ઓડર ઉઠાવી શકાય છે. કોનો પ્રશ્ન લેવો કે ન લેવો તે નિયમ પ્રમાણે નક્કી થાય છે.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ટૂંકી મૂદતના પ્રશ્નોથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકાય છે. પ્રશ્નોના જવાબ આપવા માટે મંત્રીઓ કેમ ડરે છે. જવાબ આપવામાં મંત્રીઓ કેમ ભેદભાવ રાખે છે. ગઈ કાલે એક પ્રશ્નની ચર્ચા થઈ પણ આજે એક પણ પ્રશ્ન દાખલ કરવામાં આવ્યો નથી. મંત્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, ગમે તે પ્રશ્ન હોય અમે જવાબ આપીએ છીએ.
આ પછી કોંગ્રેસના ધારાસભ્યોએ ટૂંકી મુદતમાં પોતાના પ્રશ્ન દાખલ ન કરવાથી વૉક આઉટ કર્યું હતું.
વિદ્યાર્થીઓના વાલીઓને વીમા કવચ
વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકસ્માતે અવસાન થાય તેવા વિદ્યાર્થીઓના વાલીઓને રાજ્ય સરકાર “શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ રૂ. ૧,૦૦,૦૦૦ નું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે.
વ્યાજખોર દાનવો સામેની લાંબી લડાઇ: હર્ષ સંઘવી
ગુજરાતમાં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા ટુંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં અનેક સામાન્ય, મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો ઘરનો પ્રસંગ સાચવવા, બાળકોના ભાવી સુરક્ષિત કરવા ઉચ્ચ શિક્ષણ માટે કે સંતાનોને વિદેશ મોકલવા સહિતના કારણોસર ક્યારેક ઉંચા વ્યાજે ધિરાણ લઇ વ્યાજખોરોના ચક્રવ્યુહમાં ફસાઇ જાય છે.
વ્યાજખોરોની ચુંગાલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સુચનાથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઇવના આયોજન કર્યા હતા. આ અભિયાન માત્ર એક – બે મહિના માટે જ નથી, આ તો દાનવો સામેની લાંબી લડાઇ છે.માણસ જ્યારે વ્યાજના વિષચક્રમાં ફસાઈ જાય છે ત્યારે પોતાના સગા-સબંધી અને મિત્રો અંતર રાખી લે છે, લોકો દૂર ભાગે છે.
ફકત વર્ષ-૨૦૨૩માં જે લોકો વ્યાજખોરીમાં બરબાદ થઈ ગયા છે તેવા લાચાર અસહાય લોકોને મદદ કરવા માટે જુદી જુદી બેંકોની મદદથી રાજ્યના ૩૮ પોલીસ જીલ્લાઓમાં લોન મેળાઓનું આયોજન કરી ૨૧,૯૭૮ લોકોને રૂ.૨૬૨ કરોડની લોન અપાવવાનું ભગીરથ કામ કરવામાં આવ્યુ છે.