આ ભાઈએ તો મૂર્ખાઈની હદ વટાવી ! એક નહીં, પાંચ વખત OTP આપ્યા’ને ગુમાવ્યા 5.62 લાખ
- મૂર્ખાઈની હદઃ એક નહીં, પાંચ વખત OTP આપ્યા’ને ગુમાવ્યા 5.62 લાખ
- બેન્કો મેસેજ-ફોન સહિત દરેક માધ્યમથી કહે છે કે તેના દ્વારા ક્યારેય ઓનલાઈન કેવાયસી અપડેટ કરાતું નથી આમ છતાં બાંધકામના વ્યવસાયિકના ધ્યાન પર આ વાત ન આવી
- ગઠિયાએ કેવાયસી અપડેટના નામે પાંચ વખત ઓટીપી મંગાવી ધડાધડ પૈસા ઉપાડી લેતાં પોલીસ ફરિયાદ
બેન્કીંગ છેતરપિંડીમાં છેલ્લા ઘણા સમયથી ચિંતાજનક ઉછાળો આવી ગયો છે ત્યારે બેન્કો દ્વારા વારંવાર તેના ગ્રાહકોને મેસેજ, ફોન સહિતના દરેક માધ્યમથી અપીલ કરવામાં આવે છે કે બેન્કના નામે કોઈ તમને કેવાયસી અપડેટ કરવાનું કહે તો તેની સાથે કોઈ જ પ્રકારનો વ્યવહાર કરવો નહીં આમ છતાં રાજકોટની દોશી હોસ્પિટલ સામે નોબલ શેરીમાં રહેતાં અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીએ કેવાયસી અપડેટના નામે એક નહીં બલ્કે પાંચ વખત ઓટીપી આપીને 5.62 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા હતા.
આ અંગે કેતન પ્રવીણભાઈ ખોલિયા (ઉ.વ.48)એ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત તા.20 ફેબ્રુઆરીએ તેને સવારે 9ઃ30 વાગ્યા આસપાસ એક અજાણ્યા નંબરથી `કસ્ટમરસપોર્ટ ડોટ એપીકે’ નામની એક લીન્ક મળી હતી જેને તેણે ઓપન કરવાનું ટાળ્યું હતું. આ પછી જે નંબર પરથી લીન્ક મોકલાઈ તે નંબરધારકે કેતનને ફોન કરી પોતે આઈસીઆઈસીઆઈ બેન્કનો કર્મચારી હોવાનું અને જો કેવાયસી અપડેટ નહીં કરે તો ખાતું બંધ થઈ જશે તેવું કહ્યું હતું. આ સાંભળી કેતને લીન્ક ઓપન કરી તેમાં પોતાનો ડેબીટ કાર્ડ નંબર નાખ્યો હતો.
નંબર નાખ્યા બાદ એક ઓટીપી આપ્યો હતો જે ફોન કરનાર વ્યક્તિને આપતાં તેણે એમ કહ્યું હતું કે એ નંબર ખોટો છે. આ રીતે તેણે કેતન પાસેથી પાંચ વખત ઓટીપી મેળવી લીધો હતો. ત્યારપછી 24 ફેબ્રુઆરીએ મોબાઈલ બેન્કીંગ એપ ચેક કરતાં તેમાં બેલેન્સ જોવા ન મળતાં બેન્ક કર્મચારીને ફોન કર્યો હતો પરંતુ તેણે રૂબરૂ જઈને તપાસ કરવા કહેતાં 25 ફેબ્રુઆરીએ કેતનભાઈ ત્યાં રૂબરૂ ગયા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે 20 ફેબ્રુઆરીએ જ તેમના ખાતામાંથી પાંચ કટકે 5,62,874 રૂપિયા ઉપડી ગયા છે ! પોતે છેતરાયાની જાણ થતાં જ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.