ભારત બંધના એલાનની સૌથી વધુ અસર ગુજરાતના આ જીલ્લમાં જોવા મળી ; રાજકોટ રાબેતા મુજબ ધબકતુ રહ્યુ
- બંધના એલાનની સૌરાષ્ટ્રમાં નહીવત અસર, વઢવાણ પાસે ટ્રેન અટકાવાઈ
- સૌથી વધુ અસર તાપી જિલ્લામાં જોવા મળી : રાજકોટ રાબેતા મુજબ ધબકતુ રહ્યુ
રાજકોટ
સુપ્રીમ કોર્ટ દ્વારા દેશમાં SC-ST અનામતમાં ક્રિમીલિયરનો સમાવેશ કરવાના નિર્ણય ના વિરોધમાં આપવામાં આવેલા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેની ગુજરાતમા નહીવત અસર જોવા મળી હતી. જો કે, રાજ્યના અમુક ભાગોમાં દેખાવો અને વિરોધ કરવામાં આવ્યો હતો અને દુકાનો બંધ કરાવાઈ હતી. રાજકોટમાં આ બંધની કોઈ જ અસર જોવા મળી ન હતી અને જનજીવન સામાન્ય રહ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે દેખાવકારો દ્વારા માલગાડી અટકાવવામાં આવી હતી. જોકે પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.બીજી તરફ તાપી જિલ્લામાં વ્યાપક બંધ રહ્યું હતુ.
સ્થાનિકો દ્વારા અડધો કલાક સુધી માલગાડીને રોકી રાખવામાં આવી હતી. પ્રદર્શનકારીઓ દ્વારા વઢવાણ ખાતે માલગાડીને રોકવામાં આવી હોવાની જાણ પોલીસને થઇ હતી. પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો અને વિરોધ કરનારાઓને સમજાવ્યા હતા પરંતુ તેમ છતાં તેઓ માલગાડીને જવા દેતા ન હતા. પોલીસને ભારે સમજાવટ બાદ અંતે મામલો થાળે પડ્યો હતો અને દેખાવકારોએ માલગાડીને જવા દીધી હતી.
ભારત બંધના એલાનમાં, સાબરકાંઠા, અરવલ્લી, બોટાદ, ગાંધીનગર, અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓ જોડાયા હતા.સાબરકાંઠાનું વિજયનગર, ઈડર અને અરવલ્લીનું ભિલોડા, શમાળાજી સ્વયંભૂ બંધ જોવા મળ્યું હતું.રાજ્યમાં સૌથી વધુ અસર તાપી જીલ્લામાં જોવા મળી હતી.અહી આદિવાસી વસતિ વધુ છે અને તેઓ અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે.