મંદિરની મહાઆરતીનો વિવાદ : ક્ષત્રિય અગ્રણી પી. ટી જાડેજાની રાજકોટ પોલીસે કરી ધરપકડ, સાબરમતી જેલમાં ધકેલાયા
રાજકોટના અમરનાથ મંદિરમાં મહાઆરતીનો વિવાદ છેલ્લા થોડા દિવસથી ચાલી રહ્યો હતો ત્યારે કારખાનેદારને ધમકી આપવાના મામલે ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાની તાલુકા પોલીસે ધરપકડ કરી છે અને તાત્કાલિક પાસા હેઠળ સાબરમતી જેલમાં મોકલી દીધા છે. શુક્રવારે રાત્રે પી.ટી.જાડેજાને પોલીસે ઉઠાવી લીધા હતા અને પોલીસ મથકે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

શું છે સમગ્ર મામલો?
રાજકોટના દોઢસોફુટ રીંગ રોડ પર બીગ બજાર પાછળના મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હોય તેના બેનરો મંદિર બહાર લગાવેલ હોય જેથી પી.ટી.જાડેજાએ મંદિરમાં આરતી ન કરવા સ્વયંમસેવકોને ધમકી આપી બેનરો લઈ લીધા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નોંધ્યો હતો.દરમ્યાન ગઈકાલ સાંજે 7 વાગ્યા આસપાસ પી.ટી.જાડેજાની પોલીસે તેના ઘરેથી અટકાયત કરી પોલીસ મથકે લાવવામાં આવી હતા અને પોલીસ કમિશનરના આદેશ બાદ પાસા તળે સાબરમતી જેલમાં ધકેલી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

મંદિરમાં આરતી ન કરવા ધમકી આપી હતી
ક્ષત્રિય આંદોલનથી ચર્ચામાં રહેલા પી. ટી. જાડેજા પર મંદિરમાં ધમકી આપવા બદલ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. ગત તા.21 એપ્રિલના સાંજે મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હતું અને મંદિરના પ્રવેશદ્વારની બાજુમાં અમરનાથ યુવા ગ્રૂપ દ્વારા આયોજિત મહાઆરતી લખેલું બોર્ડ બેનર લગાવ્યું હતું. જેના એક દિવસ પહેલાં એટલે કે તા.20ના સાંજે પી.ટી.જાડેજાએ કારખાનેદાર જસ્મીનભાઇને ફોન કરી 45 મિનિટ સુધી વાત કરી હતી અને મંદિરમાં આરતી ન કરવા ધમકી આપી હતી. આ વાતચીતનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ પણ વાંચો : અંતરિક્ષયાત્રી શુભાશું શુક્લાએ હાંસલ કરી નવી સિદ્ધિ : પૃથ્વીની ફરતે 113 ચક્કર લગાવી 46.70 લાખ કિમીનું અંતર કાપ્યું
આ કારખાનેદારને ક્ષત્રિય આગેવાને ધમકી આપી ‘આરતી કરતો નહીં, નહીંતર લોહિયાળ ક્રાંતિ થશે’ કહી અપશબ્દો કહ્યા હતા એટલું જ નહિ આ પછી તા.21ના મંદિર પાસે લાગેલા બેનર્સ પણ પી.ટી.જાડેજા લઈ ગયા હોવાનો અને મંદિરે શ્વાન લઇને આવી લોકોને ડરાવતા હોવાનો આક્ષેપ પણ ફરિયાદી દ્વારા ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.ત્યારે આ મામલે ગઇકાલે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.