રાજ્યમાં ચોમાસુ ટનાટન : 24 કલાકમાં 201 તાલુકામાં પડ્યો વરસાદ, આજે પણ આ જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
ઓણસાલ રાજ્યમાં અગાહીકારોએ 16 આની વરસ રહેવાની આગાહી કરી છે ત્યારે સમયસર મેઘરાજાની પધરામણી થતા 15 જૂનથી મેઘરાજાની સવારી રુમઝુમ કરતી આવી પહોંચ્યા બાદ ફક્ત 19 દિવસમાં જ રાજ્યમાં સરેરાશ 38.84 ટકા એટલે કે, 39 ટકા વરસાદ વરસી ગયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ મુજબ રાજ્યમાં ચોમાસુ સીઝનમાં 251 તાલુકાઓમાં સરેરાશ 51મીમીથી લઈ 1000 મીમી એટલે કે 39 ઈંચ વરસાદ નોંધાયો છે. હાલમાં રાજ્યના 17 જળાશયો છલોછલ ભરાયેલા છે. જો વાત કરીએ છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની તો રાજ્યના 201 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ 3.7 ઇંચ વરસાદ વરસ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા
છેલ્લા 24 કલાકમાં એટલે કે શુક્રવારે સવારે 6 વાગ્યાથી શનિવારે સવારે 6 વાગ્યા સુધી મેઘરાજાએ રાજ્યના 201 તાલુકાઓમાં સટાસટી બોલાવી છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7, બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 અને સુરેન્દ્રનગરના લખતરમાં 30.3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સવાર 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી મેઘરાજાએ રાજ્યના 64 તાલુકાઓમાં હાજરી પુરાવી છે. જેમાં સૌથી વધુ દ્વારકામાં 4 અને પોરબંદરમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

19 દિવસમાં રાજ્યમાં સરેરાશ 38.84 વરસાદ પડ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી સરેરાશ પડી રહેલા વરસાદની તુલનાએ ચાલુ વર્ષે 15 જૂનથી ચોમાસાના પ્રારંભ બાદ 19 દિવસમાં રાજ્યમાં સરેરાશ 342.51 મીમી એટલે કે ટકાવારી મુજબ સિઝનનો 38.84 વરસાદ પડ્યો છે. રાજ્યમાં ઝોનવાઈઝ જોઈએ તો કચ્છમાં સરેરાશ 483 મીમી વરસાદ પડે છે જેની સામે ચાલુ સીઝનમાં 181.90 મીમી એટલે કે 37.64 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 719 મીમી સામે ચાલુ વર્ષે 241.33 મીમી વરસાદ પડતા અત્યાર સુધીમાં 33.57 ટકા વરસાદ પડ્યો છે.

બીજીતરફ રાજ્યના પૂર્વ મધ્ય વિસ્તારમાં સરેરાશ 805 મીમી વરસાદ સામે ચાલુ વર્ષમાં 312.81 મીમી વરસાદ નોંધાતા અત્યાર સુધીમાં સિઝનનો 38.87 ટકા વરસાદ નોંધાયો છે. જયારે સૌરાષ્ટ્રમા સરેરાશ 748 વરસાદ સામે ચાલુ વર્ષમાં 297.23 મીમી એટલે કે, 39.75 ટકા વરસાદ નોંધાયો છે. જો કે ઓણસાલ ચોમાસામાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે અહીં સરેરાશ 1490 મીમી વરસાદ સામે ચાલુ સીઝનમાં 609.70 મીમી વરસાદ પડતા હાલમાં સિઝનનો 40.93 ટકા વરસાદ વરસી ગયો છે.

દરમિયાન અવિરત મેઘકૃપાને પગલે રાજ્યમાં ઓણસાલ જળાશયોમાં જળસંગ્રહમાં પણ વધારો થયો છે. 19 દિવસના ધોધમાર વરસાદમાં રાજ્યના 206 ડેમ પૈકી અમરેલી, ભાવનગર, બોટાદ,સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ અનેતાપી જિલ્લાના 17 ડેમો 100 ટકા ભરાઈ ગયા છે તો 43 ડેમમાં 70થી 100 ટકા જેટલું પાણી ભરેલું છે. રાજ્યના 38 ડેમ 50થી 70 ટકા ભરેલા છે અને 54 ડેમ 25થી 50 ટકા તેમજ 54 ડેમમાં 25 ટકાથી વધુ પાણી ભરેલું છે. રાજ્યના મોટાગજાના 17 ડેમોમાં પણ ધીંગી જળરાશી ભરેલી છે અને સરદાર સરોવર ડેમમાં 46.99 જળરાશિ સંગ્રહાયેલી છે અને સતત 20646.88 ક્યુસેકની આવક ચાલુ છે.
આ પણ વાંચો : મંદિરની મહાઆરતીનો વિવાદ : ક્ષત્રિય અગ્રણી પી. ટી જાડેજાની રાજકોટ પોલીસે કરી ધરપકડ, સાબરમતી જેલમાં ધકેલાયા

આજે આ 10થી વધુ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી મુજબ, શનિવારે (5 જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.