રહી-રહીને તંત્ર જાગ્યું: મંત્રીઓ, અધિકારીઓ કામે લાગ્યા
ગુજરાતમાં મેઘરાજાના બીજા રાઉન્ડે ભારે ખાનાખરાબી સર્જી છે. એક સપ્તાહ સુધી પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે ગુજરાતનો રોડ રૂપી વિકાસ પાણીમાં તણાઈ ગયો છે જેના કારણે આજે સતત ત્રીજા દિવસે રાજકોટ-અમદાવાદ, વિરમગામ-અમદાવાદ સહિત ત્રણ નેશનલ હાઈ-વે મળી ૫૬૨ રાજમાર્ગો હજુ પાણીમાં હોવાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.
અમદાવાદમાં બે દિવસ પહેલાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ૨૪ કલાકમાં અમદાવાદની ધરતી પર મેઘરાજાએ તાંડવ મચાવી દેતા ૯ ઇંચથી ૨૪ ઇંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર જળ ભરાવના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી.
ભારે વરસાદના કારણે અમદાવાદના પશ્ચિમમાં આવેલ સૌથી વિકસિત બોપલ, ઘુમા જેવા વિસ્તારો ડૂબી ગયા હતા. એટલું જ નહીં અમદાવાદ-વિરમગામ અને અમદાવાદ-રાજકોટ હાઈ-વે પર ૬થી ૭ ફૂટ પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
સતત ત્રણ દિવસ સુધી વાહન વ્યવહાર ખોરવાઈ જતાં હાઈ-વે પર ભારે વાહનોના થપ્પા લાગી ગયા છે. વિરમગામ નજીક ૨૦ કિલોમીટરનો લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. તો રાજકોટ હાઈ-વે પરનો ટ્રાફિક ધોલેરા એક્સપ્રેસ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
આજે ત્રીજા દિવસે પણ બાવળાથી લઈને ચાંગોદર જીઆઈડીસી સુધી ગોઠણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ત્રણ-ત્રણ દિવસ સુધી અનેક ફેક્ટરીમાં છાતીસમાણા પાણી ભરાયેલા હોય રહી રહીને જાગેલ તંત્ર આજે પૂરની સ્થિતિનું નિરીક્ષણ કરવા મંત્રી પ્રદ્યુમન વાંજા અને સંજયસિંહ મહીડા અને અમદાવાદ મ્યુ.કમિશનર બંછાનિધિપાની સહિતના અધિકારીઓ ટે્રક્ટરમાં બેસી ઘટના સ્થળની મુલાકાત લઈ પાણીનો કિલ કરી હાઈ-વે ફરી પૂર્વવત કરવા તંત્રને કામે લગાડ્યું છે.
રાજ્યમાં ત્રીજા દિવસે ૫૬૨ રાજમાર્ગો બંધ
ગુજરાત માર્ગ એન્ડ મકાન વિભાગ અને પરિવહન વિભાગની સંયુક્ત યાદીમાં જણાવ્યા પ્રમારે રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી પડેલા ભારે વરસાદના કારણે ત્રણ નેશનલ હાઈ-વે, ૨૫ સ્ટેટ હાઈ-વે, ૩૪ જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને ૫-૧ પંચાયત હસ્તકના માર્ગ બંધ હોય તેની મરમ્મત કરી વાહન વ્યવહાર પૂર્વવત્ કરવા યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે જેમાં સુરતમાં ૨૮૪માંથી ૧૯૨ રોડ ફરી શરૂ કરાયા છે. રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગની ૧૪૫ ટીમ જેસીબી, ડમ્પર, પેવર અને મશીનરી સાથે કામે લીગી છે.
ભારે વરસાદના કારણે એસ.ટી.ની ૧૭૨૬ ટ્રીપ બંધ
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે રોડ-રસ્તાઓનું ધોવાણ થઈ જવાના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે ત્યારે સૌથી વધુ નુકસાન એસ.ટી. નિગમને થયું છે. રાજ્યમાં ભારે વરસાદથી ૪૭૩ રૂટની ૧૭૨૬ ટ્રીપ બંધ કરવાની ફરજ પડી છે જેના કારણે દરરોજ લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
