રાજ્યના પુરવઠા વિભાગે તુવેરદાળની ફાળવણી 90 ટકા કરી
રેશનકાર્ડ ધારકો માટે 50 ટકા જ ફાળવણી કરતા દેકારો થતા
તુવેરદાળની ફાળવણીમાં વધારો કરવામાં આવતા એફપીએસ એસોસીએશને સરકારનો આભાર માન્યો
રાજકોટ : ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ફેબ્રુઆરી માસમાં ગરીબ રેશનકાર્ડ ધારકોને આપવામાં આવતી તુવેરદાળની ફાળવણી ઘટાડી 50 ટકા કરી નાખતા સુંસગર રાજ્યમાં દેકારો બોલી જતા અંતે પુરવઠા વિભાગે તુવેરદાળની ફાળવણી 90 ટકા કરતા રેશનકાર્ડ ધારકોને ચાલુ મહિનામાં દાળ મળવા સામેનો પ્રશ્નાર્થ દૂર થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ છેલ્લા બે-ચાર મહિનાથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અનાજ-ચોખા મેળવતા તેમજ બીપીએલ અને અંત્યોદય યોજનાનો લાભ મેળવતા કુટુંબોને ફાળવવા આવતા તુવેરદાળ અને ચણાના જથ્થામાં ઘટાડો કરી નાખતું હોવાથી ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી માસમાં પણ પુરવઠા વિભાગે તુવેરદાળની ફાળવણી 50 ટકા કરી નાખતા ગ્રાહકો અને દુકાનદાર વચ્ચે ઘર્ષણ થાય તેવી સ્થિતિ સર્જી દેતા રાજ્યભરમાંથી વિરોધ ઉઠ્યો હતો.
બીજીતરફ ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા ગ્રાહકો અને વેપારી વચ્ચે વૈમનસ્ય પેદા થાય એવા સંજોગોને નિવારવા માટે પુરવઠા વિભાગને તુવેરદાળની ફાળવણી વધારવા માટે રજુઆત કરવામાં આવતા ગુજરાત સરકારે ફેબ્રુઆરી માસ માટે તુવેરદાળની ફાળવણી 50 ટકાથી વધારી 90 ટકા કરવામાં આવી છે જેથી ફેબ્રુઆરી મહિનામાં અનાજ વિતરણની સાથે ઉપરોક્ત ટકાવારી મુજબ ગ્રાહકોને તુવેરદાળ પણ મળી રહેશે વર્તમાન સમયમાં બજારમાં તુવેરદાળના ખૂબ ઊંચા ભાવ હોય ગરીબ લાભાર્થીને સસ્તા ભાવે તુવેરદાળ મળે તેવો સરકારે નિર્ણય લેતા ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા સરકારનો આભાર માનવામા આવ્યો હતો.