ખોટા દસ્તાવેજ કરશો તો દંડાશો ! બે અસામીઓને રૂ.1.44 કરોડનો દંડ
શાપરમાં બાંધકામ ઉભું હોવા છતાં જમીનનો દસ્તાવેજ કરી સરકાર સાથે છેતરપિંડી
બેડીમાં ઔધોગિક એકમના વેચાણમાં ઓછું બાંધકામ બતાવી દસ્તાવેજની નોંધણી કરાવી સ્ટેમ્પ ડયુટીની ચોરી
ખોટા દસ્તાવેજ નોંધાવશો તો દંડાશો….. રાજકોટ શહેર-ગ્રામ્ય સ્ટેમ્પડયૂટી મૂલ્યાંકન કચેરી દ્વારા બારીકાઇ ભરી નજર રાખી સ્ટેમ્પડયૂટીની ચોરીના કિસ્સા પકડવામાં આવી રહ્યા છે ત્યારે આવા જ બે કિસ્સામાં રાજકોટ ગ્રામ્ય સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર દ્વારા શાપર અને રાજકોટ તાલુકાના બેડી ગામે દસ્તાવેજ નોંધણીમાં સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરનાર બે અસામીઓને 1.44 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા ચકચાર જાગી છે.

રાજકોટ ગ્રામ્ય સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીના ડેપ્યુટી કલેકટર ઇશિતા મેર દ્વારા કોટડા સાંગાણી તાલુકાના ઔધોગિક ઝોન શાપરમાં રેવન્યુ સર્વે નંબર 272 પૈકી-1ની જમીનનો વર્ષ 2024માં ખુલ્લા પ્લોટ તરીકે નોંધાવવામાં આવેલ દસ્તાવેજની ખરાઈ કરવા અધિક નોંધણી સર નિરીક્ષક દ્વારા સૂચના અપાવમાં આવતા સ્થળ તપાસ દરમિયાન ખુલ્લા પ્લોટની જગ્યાએ બાંધકામ ઉભું હોવાનું સ્પષ્ટ બનતા ભાગીદારી પેઢીને ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી પેટે રૂપિયા 23,92,131 તેમજ નિયમ 9 મુજબ 23,92,131 દંડ ફટકારવા સાથે કલમ 39(1) બી અન્વયે 23,92,131નો દંડ ફટકારી કુલ રૂપિયા 71,76,393 દંડ ફટકારવામાં આવ્યો હતો.
જયારે બીજા કિસ્સામા રાજકોટ ગ્રામ્ય સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીના ડેપ્યુટી કલેકટર ઇશિતા મેર દ્વારા રાજકોટ તાલુકાના બેડી ગામે રેવન્યુ સર્વે નંબર 238 પૈકી 2ના ઔધોગિક એકમના લે -વેચના કિસ્સામાં આસામી દ્વારા વર્ષ 2024માં દસ્તાવેજ નોંધણી કરાવવામાં આવતા જેની અધિક નોંધણી સર નિરીક્ષકની ટીમ તેમજ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીની ટીમે તપાસ કરતા દસ્તાવેજમાં દર્શાવેલ બાંધકામ કરતા વધુ બાંધકામ હોવાનું સામે આવતા ડેપ્યુટી કલેકટર ઇશિતા મેર દ્વારા ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી માટે 22,21,381, કલમ 39(1)બી નો દંડ 22,21,381, નિયમ 9 મુજબ દંડ રૂપિયા 22,21,381, ડેવલોપમેન્ટ કરારની સ્ટેમ્પ ડ્યુટી 2,71,436 તેમજ દંડ રૂપિયા 2,71,436 મળી કુલ રૂપિયા 72,07,015 દંડ ફટકારી બન્ને કિસ્સામાં કુલ રૂપિયા 1,43,83,406 રૂપિયા દંડ ફટકરાવમાં આવતા સ્ટેમ્પ ડ્યુટી ચોરી કરતા તત્વોમાં ફફડાટ મચી ગયો છે.