કચ્છના નલિયા એરફોર્સ સ્ટેશન અંદર સર્વિસ રાઈફલથી જવાનનો આપઘાત
કચ્છના અબડાસા તાલુકાના નલિયા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા જવાન ભરતરાજ ભોમપ્રકાશ ભારદ્વાજે પોતાની AK-103 સર્વિસ રાઇફલથી ગરદનના ભાગે જાતે ગોળી ધરબી લઇ આપઘાત કરી લીધાની ઘટનાથી સાથી કર્મચારીઓ, સ્ટાફમાં ભારે અરેરાટી થઇ પડી છે. પોલીસ મથકના ટેકનિકલ એરિયામાં આ ઘટના ઘટી હતી. કોઠારા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, જવાનના આપઘાતના કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: માતૃભૂમિ અને પ્રેમ માટે દેવોથી લઈને દાનવો સુધી લડતો યોદ્ધો!
મળતી પ્રાથમિક વિગતો મુજબ જવાન ભરતરાજ ભોમપ્રકાશ ભારદ્વાજ એરફોર્સ સ્ટેશનના સૌથી સુરક્ષિત અને સંવેદનશીલ ગણાતા ‘ટેકનિકલ એરિયા’માં ફરજ પર તહેનાત હતા. આ દરમિયાન તેમણે અગમ્ય કારણોસર પોતાની સરકારી AK-103 એસોલ્ટ રાઇફલથી પોતાની જાતે ગળાના ભાગે ફાયરિંગ કરતા ગોળી ગરદનના ભાગેથી પ્રવેશીને માથા વીંધીને આરપાર નીકળી ગઈ હતી અને ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ફાયરિંગનો અવાજ થતા આસપાસ સુરક્ષામાં તહેનાત અન્ય અધિકારીઓ અને જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે, ત્યાં સુધીમાં જવાન ભરતરાજ મૃત્યુ પામ્યો હતો. કોઠારા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક એરફોર્સ બેઝ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. આત્મઘાતી પગલું ક્યાં કારણોસર ભર્યું તે અંગે પોલીસે તપાસ આરંભી છે.
