શેઠને ફોટો મોકલવા, ધરાર પ્રેમસંબંધ રાખવા, કોર્ટકેસ બાબતે ઢીશુમ ઢીશુમ
નાગલપર, જંગલેશ્વર અને સદ્ગુરુનગરમાં મારામારી
રાજકોટમાં નજીવા કારણોસર છૂટાહાથની મારામારી હવે રોજિંદી બની ગઈ હોય તે રીતે તેમાં વધારો થઈ રહ્યો છે. આવી જ ત્રણ મારામારીના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં શેઠને ફોટો મોકલવા, ધરાર પ્રેમસંબંધ રાખવા, કોર્ટકેસ સહિતના મુદ્દા કારણભૂત હોવાનું ખુલ્યું છે.
રૂડા'-૨ વિસ્તારમાં આવેલા સદ્ગુરુનગર શેરી નં.૨માં રહેતા કેતન મનસુખલાલ ગોહેલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે એક વર્ષ પહેલાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં તેના ભાઈ મંથન અને તેના મીત્ર દિગ્વિજય પર ફરિયાદ કરવામાં આવી હતી જેનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય તેનો ખાર રાખી યશ ગવલી, રેખાબેન જનકભાઈ પરમાર, જનક પરમાર અને ધ્રુવિત પરમારે કેતન ગોહેલ, તેના ભાઈ મંથન અને દિગ્વિજય વાળાને આંખમાં મીર્ચી સ્પ્રે નાખી માર માર્યો હતો સાથે સાથેશેરીમાંથી નીકળતા નહીં, નહીંતર ટાંટીયા ભાંગી નાખશું’ તેવી ધમકી પણ આપી હતી.
જ્યારે ભાવેશભાઈ જીવરાજભાઈ શેઠે કૂવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે નાગલપર ગામે કલરવ પાર્ક સોસાયટીમાં વોચમેન તરીકે નોકરી કરે છે. ૩૦ માર્ચે સાંજે ૫:૩૦ વાગ્યે અજય પરસોડાનો મીત્ર સુરેશ ઉકેડીયા જે અવારનવાર અજયના ઘેર આવતો હોય તે પ્લાસ્ટિકનો પાઈપ લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે એક મહિના પહેલાં સોસાયટીમાં બનેલા બનાવનો ફોટો ભાવેશના શેઠ મનિષને મોકલ્યો હતો. આટલું કહીને ગાળો ભાંડવા લાગ્યો હતો સાથે સાથે પ્લાસ્ટિકના પાઈથી ભાવેશ ઉપર તૂટી પડતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો.
મારામારીનો ત્રીજો બનાવ જંગલેશ્વરમાં ભવાની ચોકમાં નસીમ મસ્જિદ પાસે બન્યો હતો. જ્યાં તારાબેન સમીરભાઈ ચૌહાણને ફારૂક ઉર્ફે જમાલ સલીમભાઈ મેણ (રહે.માજોઠીનગર)એ ફડાકા માર્યા હતા. તારાબેને જણાવ્યું કે પાંચેક વર્ષ પહેલાં તે તેના પતિ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં દૂધની ડેરી પાસે રહેતા હતા ત્યારે ફારૂક સાથે પ્રેમ થઈ ગયો હતો. આ પછી બન્ને ઘણી વખત મળ્યા પણ હતા પરંતુ ફારૂક જેલમાં જતાં તારાબેન પતિ સાથે જંગલેશ્વરમાં રહેવા આવી ગઈ હતી. જેલમાંથી છૂટ્યા બાદ જમાલ પંદર દિવસ પહેલાં તારાબેનના ઘેર ધસી આવ્યો હતો અને પ્રેમસંબંધ રાખવો છે તેવું પુછતાં તારાબેને ના પાડતાં જ ત્રણ ફડાકા ઝીંકી દીધા હતા
