ધોરાજી-જેતપુર પંથકમાં વરસાદને કારણે 3 મકાનને નુકસાન
સદનસીબે કોઈ જાનહાની નહી: જામકંડોરણાના રામપર ગામે નદીમાં પૂર આવતા બકરા તણાયા: 1 ઘેટાનુ મોત
સૌરાષ્ટ્રમાં મેઘરાજા ક્યાંક મહેરાબ થયા છે તો ક્યાંક કહેર બનીને વરસી રહ્યા છે. આ વચ્ચે નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. સોમવારે જામકંડોરણાના રામપર ગામે આવેલી રસનાળા નદીમાં પૂર આવતા 15 બકરા તણાઇ ગયા હતા જ્યારે ધોરાજી પંથકમાં 2 અને જેતપુર પંથકમાં 1 મકાનને નુકસાની થઈ હતી.
ધોરાજી પંથકમાં પડેલા વરસાદને કારણે 2 મકાનને નુકસાની થયાના સમાચાર સામે આવ્યા છે. જિલ્લા પંચાયતમાં કાર્યરત કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ ધોરાજીના નાની પરબડી અને મોટી પરબડી ગામે વરસાદને કારણે 1-1 મકાનને નુકસાની થવા પામી હતી. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી.
તો બીજી તરફ જેતપુરના જૂની સાંકળી ગામે એક કાચું મકાન સંપૂર્ણ પડી ગયું હતું. આ ઉપરાંત જામકંડોરણા તાલુકામાં પડેલા વરસાદને ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. રામપર ગામે આવેલી રસનાળા નદીમાં પૂર આવતા 15 બકરા તણાઇ ગયા હતા. જેમાંથી 12 બકરા મળી આવ્યા હતા જ્યારે બાકીના 3 બકરા તણાઇ ગયા હતા. જ્યારે 1 ઘેટાનુ મોત થયું હતું.