મોસમનો અનોખો મિજાજ ! વાવાઝોડા સાથે હીટવેવ
ચાર દિવસ મીની વાવઝોડાની આગાહી સાથે ગીર સોમનાથ અને પોરબંદરમાં બે દિવસનું હીટવેવ
રાજકોટ : રાજ્યમાં મોસમનો મિજાજ વારંવાર બદલાઈ રહ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, પોરબંદર અને દક્ષિણ ગુજરાતમાં તા.3 એપ્રિલ સુધી મીની વાવાઝોડું ફૂંકાવાની આગાહી કરી છે. બીજી તરફ હવામાન વિભાગે મીની વાવાઝોડાના માહોલ વચ્ચે ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં બે દિવસ માટે હીટવેવનું પણ એલર્ટ આપતા લોકોને ગરમ હવા સાથેનું વાવાઝોડું સહન કરવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર અને ઉત્તરપશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે રાજ્યમાં આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતના પંચમહાલ અને દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હવામાન વિભાગે સોમવારે તેમજ મંગળવારે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડવાની સાથે ગીર સોમનાથ, પોરબંદર અને ભાવનગર જિલ્લા માટે બે દિવસનું હીટવેવ એલર્ટ પણ આપ્યું હોય લોકોને ગરમી સાથે વાવાઝોડાથી પણ સાવધ રહેવું પડશે.