42.2 ડિગ્રી ! રાજકોટમાં કાળઝાળ ગરમી
હવામાન વિભાગે હીટવેવની ચેતવણી પોરબંદર-ભાવનગર અને કચ્છ માટે આપી અને ગરમી રાજકોટમાં
રાજકોટ : સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં અનિશ્ચિતતા વચ્ચે હવામાન વિભાગે હીટવેવ, વાવાઝોડા અને કમોસમી વરસાદની ચેતવણી આપી છે ત્યારે મંગળવારે હવામાન વિભાગની આગાહીથી વિપરીત સ્થિતિ રાજકોટમાં જોવા મળી છે, હવામાન વિભાગે કચ્છ, પોરબંદર અને ભાવનગર માટે હીટવેવ એલર્ટ આપ્યું હતું પરંતુ રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં 42.2 ડિગ્રી નોંધાઈ હતી.
મધ્ય મહારાષ્ટ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી તા.3જી સુધી કમોસમી વરસાદ તેમજ મીની વાવઝોડુ ફૂંકાવાની આગાહી કરી છે. સાથે જ હવામાન વિભાગે મંગળવાર અને બુધવારના રોજ પોરબંદર જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ તેમજ કચ્છ અને ભાવનગર જિલ્લા માટે હીટવેવનું યલો એલર્ટ આપ્યું છે. જો કે, હવામાન વિભાગની આગાહીથી વિપરીત રીતે હિટવેવની અસર જોવા મળી હતી અને રાજકોટમાં એપ્રિલ માસના પ્રારંભે જ મહત્તમ તાપમાનનો પારો 42.2 ડિગ્રીને અડકી જતા રાજકોટ સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું.
બીજી તરફ મંગળવારે રાજ્યમાં પાંચ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો જેમાં ભુજમાં 41.3, અમરેલીમાં 40.9, અમદાવાદમાં 40.8, ડીસામાં 40.7, ગાંધીનગરમાં 40.6, કંડલામાં 39.9, પોરબંદરમાં 39.7, વડોદરામાં 39.4, નલિયામાં 39, દીવમાં 38.6, સુરતમાં 38.0, ભાવનગરમાં 37.2, જામનગરમાં 37.1 અને વેરાવળમાં 35.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ, ભાવનગર અને દક્ષિણ ગુજરાત માટે આગામી 3 એપ્રિલ સુધી મીની વાવાઝોડા અને કમોસમી વરસાદની આગાહી પણ આપવામાં આવી છે.