બેટ દ્વારકામાં ડિમોલિશનના ત્રીજા દિવસે ધાર્મિક દબાણ દૂર કરાયું : 111 દબાણો ધ્વસ્ત,રૂ. 13.13 કરોડની જગ્યા ખુલ્લી કરાઈ
લાખો ફૂટ જગ્યામાં ઉભા કરાયેલા અનઅધિકૃત મકાનોમાં વીજ કનેક્શન કેવી રીતે ?
દેવભૂમિ દ્વારકા જિલ્લા સરકારી તંત્ર દ્વારા શનિવારથી શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં બેટ દ્વારકાના બાલાપર વિસ્તાર બાદ આજરોજ સોમવારે ત્રીજા દિવસે જારી રાખવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશમાં ઓખા પોર્ટ વિસ્તારમાં આવેલી સરકારી જગ્યા પર રહેલું એક ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યવાહીમાં જિલ્લા રેવન્યુ તથા પોલીસ તંત્ર દ્વારા સજ્જડ બંદોબસ્ત તેમજ સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી.

શનિવારે પ્રથમ દિવસે રૂ. 6.72 કરોડની કિંમતની 12500 ચોરસ મીટર ગૌચર સહિતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. અનેક દબાણકર્તા આસામીઓને તેઓના દબાણ અંગેની નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે શનિવારે અધૂરી રહેલી કામગીરી ગઈકાલે રવિવારે સવારથી પુનઃ આદરવામાં આવી હતી. જેમાં પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેવન્યુ તંત્રએ બાલાપર વિસ્તારમાં જ ડિમોલિશન અંગેની કામગીરી કરી હતી. જાહેર કરવામાં આવેલી વિગત મુજબ રવિવારે વધુ 45 રહેણાંક દબાણોને ખુલ્લા કરવામાં આવ્યા છે. બે દિવસમાં અંદાજિત 24,400 ચોરસ મીટર જમીન પરના બાંધકામો હટાવાયા છે. આ જગ્યાની કુલ બજાર કિંમત 13.13 કરોડથી વધુ આંકવામાં આવે છે.

ઐતિહાસિક મહત્વ ધરાવતા દ્વારકા તેમજ બેટ દ્વારકામાં વધી ગયેલા અનઅધિકૃત બાંધકામ પર દ્વારકા રેવન્યુ તંત્રએ લાલ આંખ કરી અને આયોજનબદ્ધ રીતે કરેલી કાર્યવાહીના અંતે શનિવારે અનિવાર્ય જણાતા વધુ એક વખત બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. દ્વારકાના પ્રાંત અધિકારી આઈ.એ.એસ. અમોલ આવટે તથા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની ટીમ દ્વારા કોઈપણ અનિચ્છનીય બનાવના બને તે અંગેની પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.

અનઅધિકૃત મકાનોમાં વીજ કનેક્શન કેવી રીતે
બેટ દ્વારકા પંથકમાં અનેક લોકોએ “સબ ભૂમિ ગોપાલ કી” સમજીને સરકારી જગ્યા વાળી લીધી છે. એટલું જ નહીં, અહીં આ વિશાળ મકાનો પણ બની ચૂક્યા છે, ત્યારે મૂળ પાયાનો સવાલ એ થાય છે કે આવડા મોટા મકાનોમાં દબાણકર્તાઓએ વીજ કનેક્શનનો લીધા કયા મુદ્દે..? જો અહીં પૂરતી તકેદારી રાખીને વિજ જોડાણ ન આપવામાં આવ્યા હોય કે આવા બાંધકામ થાય તે પૂર્વે જ સ્થાનિક જવાબદારોએ કાર્યવાહી કરી હોય તો આટલા મોટાપાયે દબાણ ન થાય તે મુદ્દો પણ સ્થાનિકોમાં ચર્ચા રહ્યો છે.

સવા બે પૂર્વે સાડા ત્રણ લાખ ફૂટ જગ્યા પરનું દબાણ હટાવાયું હતું
ગત ઓક્ટોબર 2022 માસમાં બેટ દ્વારકા વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં કોમર્શિયલ તેમજ અન્ય મળી કુલ 262 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં રૂ. 7.59 કરોડની કિંમતની આશરે સાડા ત્રણ લાખ ફૂટ જેટલી જગ્યા ખુલી કરવામાં આવી હતી.