રાજકોટ જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોર અંગેના 54 દરોડા
ગ્રામ્ય વિસ્તારમાં 11 સિટીમાં 40થી વધુ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી
રાજકોટ : પશુપક્ષીઓ અને માનવજાત માટે ઘાતક ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં રાજકોટ શહેર અને જિલ્લામાં છાનેખૂણે થતા ચાઈનીઝ દોરાના વેપલા ઉપર પોલીસે અસરકારક કામગીરી કરી હોવાનું અધિક જિલ્લા કલેકટર આલોક ગૌતમે જણાવી જાહેરનામા બાદ 54 જેટલા કિસ્સામાં પોલીસે કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું.
રાજકોટ અધિક જિલ્લા કલેકટર આલોક ગૌતમે જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિ પર્વને લઇ જિલ્લામાં તેમજ શહેરમાં ચાઈનીઝ દોરી, પતંગ અને તુક્કલ જેવી ચીજો ઉપર પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હોવા છતાં કેટલાક તત્વો છાનેખૂણે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતા હોવાનું ધ્યાને આવતા રાજકોટ શહેરમાં 40થી વધુ સ્થળોએ તેમજ ગ્રામ્ય પોલીસ દ્વારા 11થી વધુ કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું.

નોંધનીય છે કે, હાઇકોર્ટ દ્વારા દોરથી લોકોને તેમજ પશુપક્ષીઓને થતી ઈજાઓ મામલે આકરું વલણ અપનાવી ચાનીઝ દોરીની સાથે કાચ પાયેલી દોરી ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો હોય આગામી વર્ષમાં પતંગ રસિયાઓને ધારદાર દોરી મેળવવી અઘરી થઇ પડશે.