રાજકોટના એટલાન્ટિસ આગકાંડને આજે એક મહિનો પૂરો : ઘટના પાછળ કોણ જવાબદાર,પોલીસ તંત્ર નિષ્ફળ ??
14 માર્ચનો દિવસ…ધૂળેટી પર્વ હોવાથી સવારથી જ લોકો એકબીજા સાથે રંગોત્સવ મનાવી રહ્યા છે. આવી જ ઉજવણી 150 ફૂટ રિંગરોડ પર બિગબજાર સામે આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં પણ ચાલી રહી હતી. સવારે 10 વાગ્યાના અરસામાં ‘સી’ વિંગના છઠ્ઠા માળે આગ શરૂ થઈ જાય છે અને દસેક મિનિટમાં તો બધાનું ધ્યાન એ આગ ઉપર કેન્દ્રીત થઈ ગયા બાદ ફાયરબ્રિગેડને ફોન કરતાં જ તુરંત સાયરનની ધણધણાટી બોલાવતાં ફાયર ફાયટર દોડી જાય છે અને પાણીનો મારો શરૂ કરી દે છે. આગ કાબૂમાં આવ્યા સુધીમાં ત્રણ નિર્દોષ ડિલિવરીબોયના સળગીને અથવા તો ગૂંગળાઈને મૃત્યુ નિપજ્યા હોવાની આ ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે આમ છતાં આ આગકાંડ પાછળ કોઈની જવાબદારી ફિક્સ કરવામાં પોલીસતંત્ર વામણું પૂરવાર થયું છે.
આગની ઘટના બાદ પોલીસ દ્વારા ટાઉન પ્લાનિંગ, અને બાંધકામ ફાયરબ્રિગેડ તેમજ પીજીવીસીએલ એમ ચારેય વિભાગ પાસેથી એટલાન્ટીસ એપાર્ટમેન્ટનો નકશો, બાંધકામ મંજૂરી, વીજ કનેક્શન ગેરકાયદેસર છે કે કાયદેસર, એપાર્ટમેન્ટનું ફાયર એનઓસી રિન્યુ કરાયું છે કે નહીં તે સહિતની વિગતો માંગવામાં આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા પોલીસને સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું હતું કે એટલાન્ટિસ એપાર્ટમેન્ટ દ્વારા ફાયર એનઓસી 2014 બાદ રિન્યુ કરવામાં જ આવ્યું નથી ! આ એક ભૂલ તો પકડી લેવામાં આવી હતી. જ્યારે પીજીવીસીએલ, બાંધકામ અને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જવાબ આપવામાં ભારે ઠાગાઠેયા કરીને આખરે તમામ પ્રકારની ફાઈલ પોલીસ તંત્રને આપી દેવામાં આવી હતી.
આ ફાઈલ મળી ગયાની વાતને પણ પખવાડિયું વીતી ગયું છતાં પોલીસ દ્વારા હજુ તપાસ જ કરવામાં આવી રહી છે. પોલીસની એવી તો કઈ તપાસ ચાલી રહી હશે કે આ ઘટના પાછળ જવાબદાર કોણ તે સામે આવી જ રહ્યું નથી ? આ ઘટનાની તપાસ માલવિયાનગર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને તેના ઉપર ડીસીપી જગદીશ બાંગરવા મોનિટરિંગ કરી રહ્યા છે આમ છતાં એક મહિના સુધી પોલીસ કોઈની જવાબદારી જ ફિક્સ ન કરી શક્તાં માર્યા ગયેલા નિર્દોષ યુવકોને ન્યાય મળવામાં અસહ્ય વિલંબ થઈ રહ્યો છે.