રાજકોટ : KKV બ્રિજ ગેમઝોન કે કચરાઝોન ? લોકાર્પણનું ‘મુહૂર્ત’ ન નીકળતાં કચરાના ઢગલા-બેઠકો થવાં લાગી !!
રાજકોટ મહાપાલિકા દ્વારા અમદાવાદ, વડોદરા, સુરતની માફક રાજકોટમાં પણ બ્રિજ નીચે ગેમ ઝોન બનાવવાનો નિર્ણય લઈને 2.40 કરોડ જેવા માતબર ખર્ચે કેકેવી ઓવરબ્રિજ નીચે બોક્સ ક્રિકેટ, પીકલ બોલ, સ્કેટિંગ, ચેસ, કેરમ સહિતની રમતો રમી શકાય તેવો ગેઈમઝોન ઉભો કરી દીધો હતો. આ ગેમઝોન તૈયાર થઈ ગયા બાદ 26 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવશે તેવી જાહેરાત પણ શાસકો દ્વારા કરી દેવામાં આવી હતી પરંતુ ‘અચાનક’ જ આ ગેમઝોનને લોકાર્પણની યાદીમાંથી બહાર કાઢવામાં આવતાં તરેહ તરેહની ચર્ચાઓએ પણ જોર પકડયું હતું. આ વાતને આજે 19 દિવસ થઈ ગયા છતાં હજુ સુધી તૈયાર થઈ ગયેલા ગેઈમ ઝોનના લોકાર્પણનું ‘મુહૂર્ત’ ન નીકળતાં ત્યાં કચરાના ઢગલા થવા લાગ્યા છે સાથે સાથે અનેક લોકોએ ત્યાં બેઠકો તેમજ રહેણાંકની વ્યવસ્થા કરી લીધી હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
એકંદરે ગેમઝન શરૂ ન કરવા પાછળ શું કારણ જવાબદાર હશે તે તો પદાધિકારીઓ જ જાણતાં હશે પરંતુ અત્યારે તો 2.40 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ ગેમઝોન રીતસરનો ધૂળ ખાઈ રહ્યો છે. લોકો પણ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે લોકાર્પણ કરવાનું જ ન્હોતું તો પછી2.40 કરોડનો ધૂમાડો શા માટે કરવામાં આવ્યો ? આ મુદ્દે અધિકારીઓનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે કહ્યું હતું કે અમારા તરફથી બધી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે શાસકો મતલબ કે પદાધિકારીઓએ નિર્ણય લેવાનો છે કે ગેઈમ ઝોનના સંચાલનનું ટેન્ડર કરી તેની સોંપણી કોને કરવી ?
બીજી બાજુ આ ગેમઝોનને લઈને જોરદાર વિરોધ પણ થયો હતો પરંતુ ત્યારે શાસકોએ તે વિરોધની અવગણના કરીને ગેઈમ ઝોન એકદમ સુરક્ષિત હોવાનું ગાણું ગાયું હતું. જો જો ગેમઝોન ગેમઝોન સુરક્ષિત જ છે તો પછી તેને શરૂ શા માટે કરવામાં આવતો નથી ? હવે જ્યારે શાસકોએ ગેમઝોન શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે અને 2.40 કરોડ જેવો ખર્ચ કરી નાખ્યો છે ત્યારે આજે નહીં તો કાલે તેનું લોકાર્પણ તો કરવું જ પડશે !