સંત કબીર રોડ પર ટેન્કરે સાયકલને ઠોકર મારતા ધો.4ના વિદ્યાર્થીનું મોત
પેટા : 12 વર્ષીય વિદ્યાર્થી રણછોડનગરમાં આવેલ શાળા નં.15માંથી છૂટી ઘરે જતો’તો ત્યારે સર્જાયો જીવલેણ અકસ્માત : પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધ્યો
શહેરમાં માતેલા સાંઢની જેમ બેરોકટોક દોડી લોકોના જીવ લેતા ખટારા,ટેકનર અને ડમ્પર પર પોલીસ રોક લગાવવામાં નિષ્ફળ રહી છે. ત્યારે આ વાહનોએ વધુ એક બાળકનો જીવ લીધો છે.સંતકબીર રોડ દૂધેશ્વર મહાદેવ પાસે સ્કૂલેથી છુટી ઘરે જઈ રહેલા ધો.4ના 12 વર્ષીય છાત્રને પૂરપાટ ઝડપે આવેલા ટેન્કરના ચાલકે હડફેટે લેતા ફુટબોલના દડાની માફક ફંગોડાયેલા બાળકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું.
વધુ વિગત મુજબ સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી શેરી નં.5માં રહેતા મુળ યુપીના રામવિહોરે નિશાદનો 12 વર્ષીય પુત્ર પવન ધો.4માં રણછોડનગરમાં આવેલ શાળા નં.15માં અભ્યાસ કરે છે.ગઇકાલ સવારે તે પોતાની સાયકલ લઈ સ્કૂલે અભ્યાસ માટે ગયો હતો. બપોરે સ્કૂલથી રજા થતા તે સાયકલ લઈ ઘરે પરત ફરતો હતો ત્યારે સંતકબીર રોડ પર દૂધેશ્વર મહાદેવ મંદિર પાસે પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવેલા ટેન્કરના ચાલકે ઠોકર મારતા બાળક સાયકલ સહિત ફંગોળાયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા અને 108ને જાણ કરતા દોડી આવેલ 108ની ટીમે બાળકને તપાસી મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો.અને મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો.તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક બાળક પાંચ ભાઈ બહેનમાં મોટો હતો અને તેના પિતા ઈમીટેશનનું મજુરીકામ કરે છે. લાડકવાયા પુત્રના આકસ્મીક મોતથી પરિવાર શોકમાં ગરક થયો છે.જ્યારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.