રાજકોટ : લોકોનાં દુઃખ-દર્દ દૂર કરવાના નામે ચાલતી ધતિંગલીલાનો પર્દાફાશ, જુગારીભૂવાને વિજ્ઞાન જાથાએ પકડી પાડ્યો
રાજકોટમાં ધર્મના નામે ધતિંગ કરનાર ભૂવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે. ત્યારે ભુવાની ૧૦ વર્ષની ધતિંગલીલા વિજ્ઞાન જાથા દ્વારા બંધ કરાવવામાં આવી છે. મેટોડામાં ભુવા સહિત ૪ સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે. મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં તંત્રવિદ્યા, વિધિ-વિધાન, બેઠક માટે આવેલ રાજકોટનો ભુવો મહેશ મનજીભાઈ વાળાને ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે મેટોડા પોલીસ સ્ટેશનના અધિકારીઓની મદદથી ઝડપી પાડવામાં આવ્યો છે. ભુવાની ૧૦ વર્ષની કપટલીલાના પર્દાફાશમાં ભુવો આંકડાનો જુગારી નીકળ્યો હતો. ભુવાનો નગ્ન વિડીયો વાયરલ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
રાજકોટમાં ભુવાની ૧૦ વર્ષથી ચાલતી ધતિંગલીલા બંધ
મળતી વિગતો અનુસાર રાજકોટનાં હરિધવા મેઈન રોડ ઉપર નવનીત હોલવાળી શેરીમાં મોરારિ- 3માં મા મસાણી મકાનમાં રહેતો ભૂવો મહેશ મનજી વાળા છેલ્લાં 10 વર્ષથી લોકોનાં દુઃખ દર્દ મટાડવાના નામે રૂ.5100થી 35000 સુધીની ફી વસૂલી છેતરપિંડી કરતો હતો. જેનો પર્દાફાશ કરવા માટે જાથાના જયંત પંડયા સહિતની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું.
પંડયાએ પર્દાફાશ પોલીસ બંદોબસ્ત માટે મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ, આઈ.જી.પી. રાજકોટ રેન્જ, જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી માંગણી મુજબ મેટોડા પોલીસ સ્ટેશનને જરૂરી સુચના મોકલવામાં આવી હતી. મેટોડા પોલીસ સ્ટેશનમાંથી પી.આઈ. એસ. એચ.શર્માએ હેડ કોન્સ્ટે. યુવરાજસિંહ અશોકસિંહ જાડેજા, હેડ કોન્સ્ટે. હિતેશભાઈ રણછોડભાઈ, મહિલા કોન્સ્ટે. ધર્મિષ્ઠાબેન પ્રવિણભાઈ અને દર્શનાબેન પટેલને જાથાના બંદોબસ્ત માટે ફાળવી દીધા.
મેટોડામાં વિધિ કરવામાં ભુવાએ ત્રણ કલાક મોડું કર્યું. ઘરમાં દાણાની પાટ નાખવામાં આવી અને સાગરીતો સાથે ભુવાએ વિધિ શરૂ કરી. પુરાવા આવી જતા મેટોડા પોલીસ સ્ટાફ સાથે જાથાની ટીમ પહોંચી. જાથાના પંડયાએ પરિચય આપી ભુવાને કીધું કાયમી ધતિંગ બંધ કરાવવા આવ્યા છીએ. ભુવા મહેશ અને સાગ્રીતોને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા.
રિક્ષા વેચી પૈસા આપ્યા, વ્યાજમાં ફસાઈ ગયાઃ ફરિયાદી
આ મામલે ફરિયાદી દર્શના મારડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટના રામ પાર્ક શેરી નંબર 2માં રહીએ છીએ. પતિનો કડિયા કામનો ધંધો બરોબર ચાલતો ન હોવાથી ભૂવા મહેશ વાળાનો સંપર્ક કર્યો હતો, જેની ફી રૂપિયા 5100 હતી. તમને અલગ-અલગ પ્રકારની તકલીફો છે, તેવું કહી આ ભૂવાએ અમારી પાસેથી રૂપિયા 45000 પડાવ્યા છે. અમે અમારી એક રિક્ષા વેચીને પૈસા આપેલા છે. આ સાથે વ્યાજના ચક્રમાં પણ ફસાઈ ગયા છીએ. પૈસા પરત માગવા જઈએ તો ધમકી આપવામાં આવતી હતી કે, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય તે કરી લો અને કેસ કરવો હોય તે પણ કરી લો. જેથી આ પ્રકારના ભૂવાથી દૂર રહેવું જોઈએ, તેવી અમારી લોકોને અપીલ છે.
પોતાનું ધતિંગ ખુલ્લું પડી જતાં ભૂવા મહેશ વાળાએ જણાવ્યું કે, આજથી દોરા ધાગા કરવાનું બંધ કરું છું. 5100ની ફી લેતો હતો અને 5 વર્ષથી દોરા-ધાગા અને જોવાનું કામ કરતો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી.
જુગારના આંકડા ગોંડલથી આવતા હતા
ભુવો મહેશ વાળાના હોંશકોંશ ઉડી ગયા હતા. તેવામાં ભુવો આંકડાનો જુગાર રમતો હતો. ગોંડલથી આંકડા આવતા હોવાનું બહાર આવ્યું હતું. ભુવાના મોબાઈલમાં ગિરીશ વાળા સહિતના નામો ખુલ્યા હતા. લગ્ન પહેલાનો નગ્ન વિડિયો સામે આવ્યો હતો. સ્મશાનમાં વિધિ-વિધાન કરતો હોવાનું ખુલ્યું હતું. પીડિતાએ બધાની વચ્ચે ભુવાને લાફો માર્યો હતો. મહિલા પોલીસે અટકાવેલ. ભુવાને ખરે સમયે માતાજી કે કોઈ શક્તિ મદદે આવ્યું ન હતું. ભુવા મહેશ વાળાએ આંકડાનો જુગાર રમતો હોવાનું સ્વીકારી, નગ્ન હાલતમાં વિડીયોની ચોખવટ કરી હતી. પીડિતાના રૂપિયા પરત આપવાની બાંહેધરી આપી હતી. કાયમી ધતિંગલીલાની બંધની ખાત્રી આપી હતી.