રાજકોટ શહેરમાં પીજીવીસીએલ દ્વારા દાદાગીરી પૂર્વક સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે શહેરના રેલનગર વિસ્તારના મહર્ષિ ટાઉનશિપમાં રહેવાસીઓએ સ્માર્ટ મીટર લગાવવા અસહમતી દર્શાવી હોવા છતાં ફરજમાં રુકાવટની ધમકી આપી સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવતા આ મામલે શહેર કોંગ્રેસ દ્વારા પીજીવીસીએલના એમડીને સ્માર્ટ વીજ મીટરને નામે થતી દાદાગીરી બંધ કરવા રજુઆત કરી હતી.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની આગેવાનીમાં પીજીવીસીએલના એમડીને રજુઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, જુના મીટરની સરખામણીએ સ્માર્ટ મીટર વધુ ઝડપથી આવવાની ફરિયાદો ઉઠી છે. પાયલોટ પ્રોજેક્ટમાં ટ્રાયલ સફળ રહી ન હોવાની સાથે પ્રજાને વાંધા સૂચનો રજૂ કરવાની તક આપવામાં આવી નથી. ઉપરાંત સ્માર્ટ મીટર દૈનિક વીજ વપરાશની રકમ જોવા મળતી નથી. છતાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સ્માર્ટ મીટર ફરજિયાત બનાવવાનો દુરાગ્રહ કરવામાં આવી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો છે. વધુમાં કોઈપણ યોજના ફરજિયાત પણે લાગુ કરી શકાય નહીં તંત્રએ લોકો સુધી યોજનાની પૂરી માહિતી પહોંચાડી નથી વોંઘા સૂચનો રજુ કરવાની તક મળી નથી જે કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ છે.
સાથે જ સ્માર્ટ મીટર પ્રથા સ્વૈચ્છિક હોવી જોઈએ ઠરજિયાત નહીં તેમ જણાવી વીજ તંત્ર નાગરિકો સાથે છેતરપિડી બંધ કરે અન્યથા કોંગ્રેસને ટોળા સ્વરૂપે રજૂઆત કરવાની ફરજ પડશે તેમ જણાવી સ્માર્ટ વીજ મીટરના નામે દાદાગીરી બંધ કરવા અંતમાં રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું.