રાજકોટ : પેરોલ ફર્લો સ્કવોડનો ‘રેકોર્ડબ્રેક’ સપાટો: ૩૦ દિવસમાં ‘૫૦’રિઢા’ને પકડ્યા
વોઈસ ઓફ ડે, રાજકોટ
રાજકોટ સહિત આખા રાજ્યમાં ગુન્હા આચરીને નાસતાં ફરતાં આરોપીઓને શોધી શોધીને જેલમાં પૂરવા માટે રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશના અનુસંધાને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા શહેરની પેરોલ ફર્લો સ્કવોડની ટીમને `એક્ટિવ મોડ’ પર મુકી દઈ કામગીરી કરવા સુચના મળતાં જ ટીમે ૩૦ દિવસની અંદર જ રેકોર્ડબ્રેક સપાટો બોલાવી દઈને ૫૦ રિઢા આરોપીઓને પકડી પાડ્યા હતા. જે આરોપીઓ પકડાયા છે તેમાં એક વર્ષથી લઈ ૨૫ વર્ષ સુધી પોલીસને `ચકમો’ આપનારા સામેલ હતા. આ તમામને શોધી શોધીને જેલમાં પૂરવામાં આવ્યા છે.
પેરોલ ફર્લો સ્કવોડના પીઆઈ સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.જી.તેરૈયા, એએસઆઈ ઝહીરભાઈ ખફીફ, એએસઆઈ અમૃત મકવાણા, હેડ કોન્સ્ટેબલ સામંત ગઢવી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદીપસિંહ ચૌહાણ, સીરાજ ચાનીયા, રોહિત કછોડ, કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ઝાલા, શાંતુબેન મુળિયા, દોલતસિંહ રાઠોડ સહિતના દ્વારા અલગ-અલગ ટીમ બનાવી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર તેમજ આખા દેશમાંથી નાસતા ફરતા આરોપીઓને દબોચવા માટે ઓપરેશન શરૂ કરાયું હતું. આ ડ્રાઈવ ૧૮ સપ્ટેમ્બરે શરૂ થઈ હતી અને ૧૮ ઑક્ટોબરે પૂર્ણ થઈ હતી. આ દરમિયાન પેરોલ જમ્પ કરીને ભાગેલા ૬, ૨૦થી ૨૫ વર્ષથી નાસતા ફરતા બે, ૧૫થી ૨૦ વર્ષથી નાસતો ફરતો એક, ૧૦થી ૧૫ વર્ષથી નાસતા ફરતા બે, ૫થી ૧૦ વર્ષથી નાસતા ફરતા ત્રણ, ૦થી પાંચ વર્ષથી નાસતા ફરતા ૨૦, સજા વોરંટમાં નાસતા ફરતા ૧૦ અને ચાલુ તપાસના છ આરોપીઓ મળી કુલ ૫૦ને દબોચી લેવામાં આવ્યા હતા.
આશ્ચર્યની વાત એ છે કે એક આરોપી કે જેનું નામ વનેચંદ છે તે આખા દેશને ખળભળાવી નાખનાર હર્ષદ મહેતા કાંડથી ફરાર થઈ ગયો હતો તેને પણ પકડી લેવામાં આવ્યો હતો.
કયા ક્યા ગુન્હાના આરોપીઓ પકડાયા
ગુન્હો આરોપીની સંખ્યા
- છેતરપિંડી-વિશ્વાસઘાત ૯
- પ્રોહિબિશન ૭
- લેન્ડગ્રેબિંગ ૩
- અપહરણ ૩
- એટ્રોસિટી ૧
- હનીટે્રપ ૧
- ચોરી ૧
- શરીર સંબંધી ગુન્હો ૧
- બાયોડિઝલ વેચાણ ૧
- પોલીસ જાપ્તામાંથી ફરાર ૧
- તપાસ ચાલું હોય તેવા ૬
- સજા વોરંટ ૧૦